ગોદડીયો ચોરો……કળિયુગી કથા

 
ગોદડીયો ચોરો……કળિયુગી કથા
=========================================================================

         

 ચબુતરી—- જેસરવા

============================================================

દિવાળીના  મેળામાં બેચાર દિન મહાલી વેકેશન પડી ગયું હોવાથી મેં  ગોવિંદ ગોદડીયાએ

કર્મભૂમિ ખંભાતથી જન્મભૂમિ જેસરવાનાં પંથે પગરણ માંડી દીધા હતા . ગામમાં બધાયને

મળી ખુબ આનંદ થયો. જુના મિત્રો સાથે બેસતા વર્ષની મઝા માણી. ગામના વડીલ એવા

સ્વાતંત્ર્ય સેનાની મુરબ્બી શ્રી મહીજીકાકા જન્મદિનના શતકમાં પ્રવેશી ચુક્યા હોઈ તેમના

ચરણ સ્પર્શ  કરી ખાસ આશીર્વાદ લીધા હતા.

સંવત ૨૦૬૮ના વર્ષના બે દિવસ ક્યાં  વહી ગયા તે ખબર ના પડી. બપોરના જમીને જરા 
 
આરામ ફરમાવી રહ્યો હતો. ત્યારે  અમારા ગોદડીયા  ચોરાનાં મિત્રોની વાજતે ગાજતે
 
પધરામણી થઇ. બધા કહે અલ્યા અમને ગોઠતું નહોતું એટલે બધાએ તારે ત્યાં ધામા
 
નાખી ચોરો તારા ગામમાં ભરવાનું નક્કી કર્યું  છે.  ચા નાસ્તો પતાવી અમે બધા ભાગોળે
શ્રી હર્ષદભાઈ સુથાર કે જેઓ ખંભાત એસ. બી. વકીલ હાઇસ્કુલમાં શિક્ષક હતા. તેમને
 
આ મિત્રો ઓળખે એટલે  તેમને ત્યાં ગયા.
 
શ્રી હર્ષદભાઈ હાલ વહેરા હાઇસ્કુલમાં પ્રિન્સીપાલ છે . તેમના બે  પુત્રો પુનીત અને 
 
 અવકાશ છે. હર્ષદભાઈએ તેમનાદીકરાઓને ગોદડી પાથરી  ચા પાણીની વ્યવસ્થા કરવા
 
 જણાવ્યું. બન્ને દીકરા રંગ બેરંગી ગોદડી પાથરવા લાગ્યા.
“સુનો હર્ષદમ સુનો અવકાશમ કળિયુગી કથા સુનાયે
  કથા સુનાયેંગે ભક્ત ગોદડીયમ”‘……..એવું ગીત હું ગણગણતો હતો.        
 
ત્યાં મહારાજાધિરાજ ધ્રુતરાષ્ટ્ર વદ્યા અલ્યા ગોદડીયા આ કળિયુગી કથા એ વળી શું છે ?
ત્યાં તો ક્ચોલું , કોદાળો, નારણ શંખ, અઠા બઠા કહે જલ્દી આ કથા કહે ને અલ્યા ગોદા.
 
મેં કહ્યું ભાઈ આ જનતાની આશાની ગોળી (દહીં વલોવવા વપરાય તે ) માં મનનો મેરુ
 
ને રાવ (ફરિયાદ) નો રવૈયો નાખી વિશ્વાસનું વલોણું કરીએ છીએ. તેમાંથી જે સાત્વિક 
 
માખણ નીકળે છે તે ભ્રષ્ટાચારનો  ભોરીંગ  લાંચની લાકડી, અકરાંતિયા અમલદારો,
 
ભેળસેળના ભૂવા એવા વેપારીઓ  અને શેતાની સરકાર ઝાપટી જાય છે.

જનતાના ભાગે તો મોઘવારી રૂપી પાતળી પાણી જેવી છાસ જ આવે છે. જનતા એ
 
છાસમાં સુવાળી, મઠીયા, ચોળાફળીને તળે છે. જુઓને દર દિવાળીએ સરકારને શુરાતન 
 
ઉપડે અને અધિકારીઓને દિવાળીની રોકડી કરવી હોય એટલે  ભેળસેળના દરોડા પાડે ને
 
પછી આખું વર્ષ ભેળસેળની  છુટ આપે છે.  જનતા લુંટાય ને નેતાઓને અમલદારો કમાય.
 
તેવામાં  ભદો ભૂત નીતિન સંચારીને લઈને આવી પહોચ્યો તેમની સાથે એક નવું પ્રાણી
 
પણ ચોરામાં પ્રવેશ્યું.
કોદાળો કહે ભાઈ આપ કોણ ? શું નામ ? શું કામકાજ ? એવા બે ત્રણ પ્રશ્નો પૂછી નાખ્યા. 
 
કોદાળો અને કચોલું  એટલે  પૂછપરછના કાયમી વારસદારો.
પેલા ભાઈ કહે હું અરવિંદ આખલો. અરવિંદ બસ આખલાની જેમ બેફિકરાઈથી ફર્યા કરે.
 
ઝઘડો થાય તો સામેજે કોઈ હોય તેને આખલાની જેમ માથું જ પેટમાં મારે એટલે તેને
 
બધા આખલો કહેતા હતા.
 
અરવિંદ આખલો કહે અમે બે ભાઈઓ છીએ બન્નેનું એક જ સરખું  કામ છે.
 
હું ખીસ્સાં કાપવાનું કામ કરું છું .મારો ભાઈ પોલીસમાં છે.   ત્રિકમજી  તોડપાણી.
 
બન્નેનું એક જ કામ લોકોના ખીસ્સાં કાપવાનું છે. અમારા જેવી કામની સમજદારી તો
 
અંબાણી બંધુઓમાં પણ નથી. એક બીજા મળીને ધંધો કરતા નથી. લડ્યા જ કરે છે.
 
તેવામાં નીતિન સંચારી ફોન જોડવામાં લાગેલો. મૂળ તો દુર સંચાર અને પાછું
 
સરકારી ખાતું.  એવામાં  તેણે સ્વર્ગલોકમાં ભગવાન વિષ્ણુને લાઈન જોડી આપી.
 
ભદો ફોન પર લાગ્યો. મોં  કટાણું કરીને બોલ્યો મારો બેટો આ  પૃથ્વીનો રંગ સ્વર્ગમાં
 
 પણ લાગી ગયો છે !
 
જેમ પ્રધાનો કે અધિકારીઓ સાંસદો ધારાસભ્યોને ઘેર ફોન કરીએ તો એમના પત્ની
 
જ ઉપાડે એમ ત્યાં પણ લક્ષ્મીજીએ ફોન ઉપાડેલો એ વાત કરતાં ગુસ્સાથી બોલતા હતાં.
 
ભદાએ કહ્યું “સાલ મુબારક” તો ફોનમાં ગરબડ હોઈ તેમણે  સાભળ્યું “હાલ મુબારક” .
 
પ્રભુના હાલ અન્નકુટના ભોગના ભેળસેળીયા પ્રસાદથી  બેહાલ   થઈ ગયા હતા. 
 
લક્ષ્મીજી ગુસ્સામાં તમે બધાય દિવાળીમાં ભેળસેળ અને બનાવટી ઘી ને માવાનો
 
અને ખોરા તેલનો ભોગ ધરાવીઅન્નકૂટ ભર્યો અને પાછો ઠેર ઠેર બધાયની વિનંતી
 
મારા ભોળા સ્વામીને સ્વીકારવી જ પડે ને ?
 
આ તમારા ભેળસેળીયા અન્નકુટના  પ્રસાદથી  મારા સ્વામીની સ્વરપેટી બેસી ગઈ છે.
 
ઉધરસ અને શરદી થઇ ગઈ છે .પેટ છુટી પડતાં ઝાડા થઇ ગયા છે. ડાયાબીટીશ પણ
 
વધી ગયો છે. મોં આવી ગયું છે. બ્લડ પ્રેસર ઉપર નીચે થતાં બધાંને ઉચા નીચા કરે છે.
 
ધન્વન્તરીજી બે ત્રણ દિવસથી ઉપાય કરે છે . કદાચ બાબા રામદેવને નોતરવા પડશે.

આવા હાલ થઇ ગયા ને પાછો કહે છે ” હાલ મુબારક “ ભદો ગેં ..ગેં…ફેં..ફેં..ફેં  કરવા લાગ્યો.
 
 મેં ભદા પાસેથી ફોન લઇ લીધો ને વિચાર્યું કે જરા વધુ મસ્કો મારીશું તો દેવીજી શાંત થઇ જશે.
 
મેં કહ્યું હે મહામયી દયાની દેવી પરમ કૃપાલીની ક્ષમા કરો લખમી દેવી એટલે રાજી થઈને
 
વાત કરવા લાગ્યાં. કારણ કે સ્ત્રીઓને ખુશામત ખુબ ગમે !
 
જો ગોદડીયા આ  કળિયુગી  કથામાં કેવી અનેરી માંગણીઓ આવી છે એનું લીસ્ટ કેવું લાંબુ છે.
 
દિવાળી ને બેસતા વર્ષ દરમ્યાન એકસો પચીસ કરોડ અને દેશ વિદેશ વસતા બધાએ જબરું
 
માગણીનું લીસ્ટ મોકલ્યું છે.
 
તે વાચતાં જ પાંચ વર્ષ વીતી જશે ત્યારે વચનો પુરાં કરવાનો કાર્યક્રમ નક્કી થશે ! 
 
કારણ કે વચનો આપવાનું  તો  દુનિયાભરના રાજકારણીઓ પાસેથી જ અમને પણ
 
શીખવા મળ્યું છે . એવડા એ તો વચન  આપે પછી ચાર કે પાંચ વર્ષે માંડ મોં દેખાડે .
 
જ્યારે અમારે તો બધા દિવસ તમો મંદિરમાં આવી કૈક ને કૈક માગ્યા કરો ને એ સાંભળવાનું !
 
દર વર્ષે પાછુ નવું વર્ષ હોય જ એટલે માંગણીઓ તો વધતી જ જવાની ને ?
 
અમારે કંઈ પાંચ વર્ષે મોં ઓછુ દેખાડવાનું તમે રોજ અમને મંદિરમાં  જુઓ છો  ખરું કે નહિ ?
 
 
આ બધી માંગણીઓ ફોન પર કહેવી શક્ય નથી.જો ફેક્સ હોય તો મોકલી આપું.
અમારો ફેક્સ નંબર ૩૧૨ + ૧૦૮ = ૪૨૦ આપ્યો તો ફેક્સ આવવા લાગ્યો. પેજના પેજ
 
ઉતરવા લાગ્યા.ઘણી  વિસ્તૃત માંગણીઓ હતી તેમજ અનોખા પ્રકારની હતી. 

 
મેં મિત્રોને કહ્યું લ્યો કેટલીક અગત્યની માગણીની  માહિતી છે તે વાંચી  સંભળાવું છું
 
 કૃપા કરી હે મારા ચોરાના મિત્રો અને ભાવના વ્યક્ત કરતા વાચક મિત્રો  સાંભળો.
 

** જુદા જુદા પક્ષોના મહતમ સભ્યોની માગણી હતી કે પ્રભુ આ અન્નાજીને સદબુદ્ધિ
   આપો કે તેમની આ મોટી અને અમને આફત કર્તા જન લોકપાલની માંગણી પડતી
 
   મુકે જેથી ફરી ચુંટાઈ શકીએ ને ઘર ભરી શકીએ.

** ઘણા સંસદ સભ્યો ને ધારાસભ્યો  રાજા ,મારન, કલમાડી  કનીમોઝી , રેડી બંધુઓ

   ને  યેદીની જેમ વધુ ને  વધુ સભ્યો કેદી બને તો પ્રધાન મંડળમાં અમારો  નંબર લાગે
   તેવી પ્રાર્થના કરી છે.

** તિહાડ જેલના કેદીઓની માગણી એવી  હતી કે રાજા, કલમાડી , મારન, કનીમોઝી ને

   અમરસિંહ આવ્યા પછી ટી.વી છાપાં ને મીઠાઈ મળે છે  અને બીજા નેતાઓ એમની 
    મુલાકાત  લે તે સમયે આ મીડિયાવાળા અમારાય ફોટા છાપે તે ચાલુ રહે. એમના
 
     જેવા વધુ નેતાઓ જેલમાં આવે તો જેલર અમારા પ્રત્યે સારી વર્તણુક રાખે.

**  શક્ય હોય તો બીજા સો બસો નેતાઓ વધારે તિહાડમાં આવે તો જગ્યાના અભાવે

    અમારી કોટડીમાં એક એક નેતા ફળવાય તો કાયમી સમાચાર પત્રો મળે.  ટીવી જોવા
 
    મળે.   બીજા મહાનુભાવોની મુલાકતો થઇ શકે. ક્યારેક જયાપ્રદા જેવું ગ્લેમર જોવા મળે.

** ઘણા પોલીસવાળા જેલમાં હતા તેમની માગણી હતી કે વર્ષોથી સાથે નોકરી કરી

   એટલે અમને સાથ આપવા  બીજા વધુ પોલીસવાળા સાબરમતીમાં આવે તો અમનેય
    કુટુંબ જેવું લાગે ને સહ કર્મી ભાવના જળવાય .

** અમેરિકાના ભારતીયોની માગણી હતી કે પ્રભુ ડોલરના દશ ઘણા રૂપિયા થાય

    અને વિમાનોના ભાડાં સસ્તાં થાય.મંદી જાય ને ડોલરની રેલમછેલ થાય.

** મત વિસ્તારનું નવું મૂલ્યાંકન થવાથી જેમની બેઠકો રદ થઇ છે તે નવી બેઠક પર

   ટીકીટ મળે અને નવા વિસ્તારમાં  મતદાતાઓને સદબુદ્ધિ આપો કે મને જીતાડે એવી
 
   માગણી મૂકી હતી.

** દશ પંદર જણ તો વડા પ્રધાન આજ થાઉં કે કાલ એની લાયમાં ભગવાનને સ્પેશ્યલ

    દૂતો દ્વારા સંદેશ મોકલાવતા હતા.
** કેટલાક તો વચમાં આવતા નેતાઓ વિષે કહેતા પ્રભુ એમને કાયમી રથયાત્રી વડા પ્રધાન 
   બનાવી દો એટલે એ રથના ચક્કર કાપ્યા કરે એવી સદભાવના વ્યક્ત કરતા હતા.

** અધિકારીઓએ  ઈચ્છિત સ્થળે પોસ્ટીંગ મળે અને લાંચના લાડવા કાયમ પીરસતા

     રહે તેવી માગણી મૂકી હતી.

** વિદ્યાર્થીઓએ વગર પરીક્ષાએ પાસ થવાય અને તે દરમ્યાન આઈ પી એલ રમાય

    તેવી ઈચ્છા વ્યક્ત કરી.

** કર્મચારીઓએ વધુ વેતન અને કામ ઓછુ તો માસ્તરોએ વધુ રજાઓ અને લાંબા

    વેકેશનની રજૂઆત કરી હતી.

** મહિલાઓની માગણી કે સોનું સસ્તું થાય અને પતિઓ સોનાના ઘરેણા બનાવી અપાવે .

** કેટલીક પત્નીઓની માગણી  હતી કે પતિદેવોના મોબાઈલમાં આવતા સંદેશાની એક નકલ 
 
   અમારા મોબાઈલમાં પણ આવતી થાય !
** દુનિયાના બધા  પતિદેવોએ પ્રાર્થના કરેલી કે એમની પત્નીઓ મૂંગી બની જાય !

** વેપારીઓ ભેળસેળ  ચાલે ભાવ વધારો  થાય વસ્તુની અછત રહે જેથી  બાર માસ
    કાળા  બજારમાં કમાવાય.

** અભિનેતાઓ મારી ફિલ્મ ચાલે બીજાની પીટાય ને હું નમ્બર વન બનું એમ ઈચ્છતા .

** અમારા માનવંતા બ્લોગ લેખકોની પ્રભુને વિનંતી હતી કે રોજની ૧૦૦-૨૦૦ જેટલી કોમેન્ટ્સ 
     અમારા બ્લોગ પર આવે. એ પણ વખાણની  હોં કે !!!
** હમણાં નવા વર્ષથી પોલીસવાળા પ્રભુને કહેતા હતા કે પહેલા અમે પ્રજાનો બરડો લાઠીઓથી 
    ફુલડતા હવે પ્રજા અમારા બરડા ફુલાડે છે . અમે પાંચ કે પચ્ચીસ જન  હોઈએ તો એ પાંચસોથી 
     હજાર હોય છે.
** બીજા પાંચેક ટકા પોલીસવાળા કહેતા કે પ્રભુ અમારે તો જનતાના મિત્ર બનવું છે પરંતુ આ
    ત્રિકમ તોડપાણી જેવા પંચાણું ટકા અમને મિત્રને બદલે તોડીયા કહેવડાવે છે એમને
 
   જરા સુધરે એવી બુદ્ધિ આપજો.
 
*** ગીર પંથકવાળાઓની તાજી માગણી એ છે કે ભગવાન  ભ‘ઈસાબ આ પૃથ્વીને
     જરાક કચકચાવીને બાંધો !!!!!
    નાહક ડગમગ થયા કરે છે તે ખાલી ખબરકાઢું નેતાઓની ગરદી વધી જાય છે !!!!!

હાટકો==ભાજપ કાર્યકરો કહે અલ્યા આપણા  સાહેબ બધાયમાં નંબર  વન છે!

તો પછી તો આ નવો રા- વન આ કોણ આવ્યો……એને  બાન કરો…એને બાન કરો.!!!!!!!!!!!!!
===================================================================
સ્વપ્ન જેસરવાકર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s