ગોદડીયો ચોરો…..ગદર્ભ પરિષદ
=============================================================
હમણાં જ દેવ દિવાળી ગઈ દેવોએ પણ ધામ ધૂમથી દિવાળી ઉજ્વ્યાના સમાચાર આવ્યા છે.
સમગ્ર સ્વર્ગમાં આનંદ ઉલ્હાસનું વાતાવરણ છવાયું હતું. હવે તો દેવોય બોણી કરીને દરેક
પોત પોતાના વિભાગમાં સમયસર કામે લાગી ગયા છે. હુકમો છોડી રહ્યા છે . ફાઈલોનો
નિકાલ કરી ત્યાં વસતા જનોની લાગણી સાંભળી નવી જાહેરાતો કરી રહ્યા છે.
ધરતી પર ઘણા દેવસ્થાનોએ મેળા ભરાય છે . લોકો નાચે છે ઝૂમે છે અને મેળાનો
ભરપુર આનંદ માણે છે.
અમે ગોદડીયા ચોરાના મિત્રો ગિરનારની લીલી પરિક્રમા માણી પરત આવી ગયા હતા.
આદરણીય શ્રી અશોકભાઈની માણેલી મહેમાનગતિ તથા તેમની ” વાંચનયાત્રા” પરિક્રમામાં
અમારી હારે સતત ફરીને રસ્તામાં આવતા સ્થળોની અણમોલ જાણકારી પીરસવા જહેમત
ઉઠાવી તે બદલ ગોદડીયા ચોરાના મિત્રો તેમનો હદય પૂર્વક આભાર માનીએ છીએ.
ત્યાં થયેલા સંસ્મરણો વાગોળી માણેલી મઝા યાદ કરી કામે લાગી ગયા હતા. શાળાઓ
ખુલી જવાથી બધા સમયસર હાજર થઇ ફરજ બજાવી રહ્યા હતા.
સાંજના ગાદલા તળાવે ફરી પાછો ચોરો જામ્યો હતો . હસી મજાકમાં ઝૂમતા હતા ત્યાં જ
દશ પંદર ગર્દભ રાજોની પધરામણી થઇ. પ્રથમ તો એમણે આગમનની વધામણી આપી લાંબી
તેમની જૂની જાણીતી ધૂન હોંચી…હોંચી …હોંચીની સાયરન વગાડી આજુબાજુ મિત્ર મંડળીમાં
બેઠેલા તમામ ને સજાગ કરી આ સવારી કેમ પધારી તે માટે વિચારતા કરી દીધા.
પછી દરેકમાં જેમ વડા હોય છે તેમ તેમના વડાએ પાછલો પગ બે વાર ઊચો કરી સાયરન
બંઘ કરવાની સુચના આપી તો બધાય ગર્દભો ભોંકતા બંધ થઇ ગયા.
ગદર્ભ રાજો કહે અલ્યા તમારામાં આ ગોદડીયો કોણ છે ? અમારે એનું કામ છે ?
મેં કહ્યું ગદર્ભ રાજ હું જ ગોદડીયો છું. બોલો શું કામ પડ્યું છે મારું આપને ?
ગદર્ભ રાજો કહે હવે બહુ દોઢ ડાહ્યો ના થઈશ. નહિ તો બે ચાર લાતો મરીશું ત્યારે
ખબર પડશે કે ગધ્ધા લાત કેવી અસરદાર હોય છે તે સમજાશે.
હમણાં “હાસ્ય દરબાર” પર કવિતા લખી આવ્યો છું ખબર છે ને ?
” કરી ગધેડા સવારી તો બન્યા પ્રમુખ “ અલ્યા અમેરિકાના ડેમોક્રેટ્સ પક્ષે અમારી ગજબની
કદર કરી પક્ષનું નિશાન ગધેડો રાખ્યું છે એવું હિન્દુસ્તાનમાં ક્યારેય અમને સન્માન આપ્યું છે ખરું ?
બસ કહેવતોમાં અને હાસ્યમાં જ અમને સમાવ્યા છે…ગામ ગધેડે ચડાવ્યું…તું તો ગધેડો છે………
..
ગધ્ધા વૈતરું કરવું….. ! ગધેડા પર અંબાડી….. ! ગધ્ધા સવારી…… ! તેજીને ટકોરો ને ગધેડાને ડફણાં !
ગધેડે ગવાવું…. ! ગધેડાના પાછલા પગ જેવો….. ! આવી ઘણી બધી કહેવતો વાપરો છો.
જરા સુધરો અને સમજો…..અમે લાતમ લાત કરીએ છીએ તો તમે બધા શું કરો છો ?
જુઓ બધા જરા ધ્યાનથી અમારી વેદનાને સાંભળો ને જરા વિચારો !
સપ્ત સંગમ આખી દુનિયામાં ફક્ત વૌઠામાં જ થાય છે અને દેવ દિવાળીએ મોટો મેળો
ભરાય છે ત્યાં અમારું મોટું બજાર ભરાય અને અમારી જાહેર હરાજી થાય પણ અલ્યા
અમને જ કેમ વગોવો છો ? કોની હરાજી થતી નથી ? કોણ વેચાતું નથી ? હવે લેખમાં
અત્યારથી જ એ વિગતવાર વર્ણન કરજે નહિ તો બધાય થઈ તને લાતો મારીશું !
ધ્રુતરાષ્ટ્ર , ક્ચોલું ,કોદાળો ને અઠા બઠા કહે ગધેડાજીની વાત ન્યાયની છે . જો બરાબર નહિ
લખું તો અમારા વતીની લાતો પણ તારે જ ખાવી પડશે સમજ્યો લ્યા ગોદડીયા !
મેં કહ્યું ગર્દભ રાજો તમે અત્યારે ચોરામાં બિરાજો હાલ જ આપને વધુ વિગતો જણાવું છું.
મેં કહ્યું ભાઈ હરાજી ક્યાં થતી નથી ? બધા જ વેચાય છે ને !!!!!
જુઓ અનાજની હરાજી થાય. શાકભાજીની હરાજી થાય .વાહનની નંબર પ્લેટ લેવાની પણ હવે
હરાજી થાય છે. જમીનના પ્લોટો અને ઘરોની પણ હરાજી થાય છે.
ભાઈ હવે તો ” ઇન્ડીયન પ્રીમિયર લીગ ” યાની કે ” આઈ. પી. એલ ” માં તો મારા વા’લા
ભલ ભલા ક્રિકેટરોની પણ હરાજી થાય છે. અલ્યા કોઈ ભાવ ના પૂછે એવાય મારા વા’લા
લાખો કરોડો રૂપિયા કમાઈને આખું વરહ લે’ર કરે છે.
હવે તો મને આ માનવંતા ગદર્ભ રાજ ઉર્ફે ગધેડાજીનો સવાલ હાંભળીને એક નવા ક્રાંતિકારી
વિચારનો મગજમાં ઝબકારો થયો છે કે મારું વાલુ આ કોંતુક આપણા દેશમાં કરવા જેવું ખરું.!
આપના નેતાઓ ચૂંટાઈને પછી સરકાર રચવા કે બહુમતી પાસ કરવા વેચાય છે જ ને ?
ઘણાય સવાલ પૂછવા કે પદ મેળવવા પણ વેચાય છે. ઘણા તો નહિ જેવી વાતમાં વેચાય.
તો પછી ચુંટણી પહેલા જ ચૂંટણી પંચ બધા નેતાઓની જાહેર હરાજી રાખે ! ફક્ત બે કે ત્રણ
પક્ષો હોય ! હવે હરાજીમાં તેમની કિંમત કેટલી બોલાય છે એ પણ ખબર પડી જાય. અને
એમનો કેટલો ભાવ છે એ ખબર પડે.?
ગદર્ભ રાજ કહે હા એ વાત હવ હાચી હો. કેટલાયની તો બે બદામ પણ ના ઉપજે એવા છે ને
ફાંકો રાખે છે જાણે કે આખો દેશ એમના ખભે ઉભો છે અને એમના વગર દેશ સહેજ પણ
ડગલુંય નહિ ભરી શકે. મારા વા’લા બે કોડીની કિમતના પાંચ કરોડે વેચાય છે.
આવું જો થાય તો એમનામાં કેટલી આવડત છે અને એમનો શો ભાવ છે એ ખબર પડે.
નાહકના દર વર્ષે કરોડો રૂપિયા વેડફી નાખે છે ને દેશને દેવામાં નાખી પ્રજાને પીડે છે.
બીજા એક ગદર્ભ રાજ કહેવા લાગ્યા ભાઈ અમે ડફણાં ખાઈએ , ભાર ખેંચીએ , ગાળો ખાઈએ
તોય ખાવાનું તો જેમ તેમ જ મળે. તોય અમે ભોંકી શકીએ.
જયારે હિન્દુસ્તાનમાં તમે એટલે કે પ્રજા ભાર ખેંચે , ડફણાં ખાય, ગાળ રૂપી ભાષણો સાંભળે અને
નેતા રૂપી ગધેડા ચારી ખાય ગમે તેમ ભોંકે લાતમલાત કરે અને ઉપરથી મલાઈ ખાય . અમે
ટીવીમાં લોકસભાની કાર્યવાહી જોઈએ છીએ ત્યાં લાતમલાત થાય ગાળાગાળી થાય ભાંગફોડ થાય
અને એ બધુય કરવાનો પગાર અને ભથ્થું મળે . એ બધો ભાર તો પ્રજા પર જ ને !
બોલો એ લોકો કરતા અમે સારા કે નહિ.?
મેં કહ્યું ગદર્ભ રાજ આપની વાત સો ટચ સોનાની સાચી છે.!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
હાટકો = બધા ગદર્ભરાજો ભેગા મળી પ્રભુને વિનંતી કરતા હતા કે હે પ્રભુ જો એક્સેન્જ ઓફર વેલીડ હોય તો
અમને નેતાઓ સાથે પાંચ કે દશ વર્ષ અદલાબદલી કરી આપો તો અમે મફતની મઝા માણીએ !!!!!
=============================================================================
=====
સ્વપ્ન જેસરવાકર