ગોદડિયો ચોરો…તા થા થા થે… ભવાઈ ( સત્તા સ્વયંવર )

ગોદડિયો ચોરો…તા થા થા થે… ભવાઈ ( સત્તા સ્વયંવર )
==========================================================
ભવાઈ વેશ બરાબરનો જામ્યો છે. અબાલ વૃદ્ધ યુવા અને મહિલાઓ પોતાનાં

આસન જમાવી ભવાઈ ખેલ ” સત્તા સ્વયંવર “ જોવા બેસી ગયા છે.

ખાંટુ નગરના મહારાજા ફાડુંસિંગ  મૂછો ચાવતા અને ચોરણો ઉંચો ચડાવતા ફરરર

ફરકતા પ્રવેશે છે . ચોરણો મોટો હોઈ વારંવાર ઉતરી પડે છે એટલે નાડુ પકડી રાખે છે.

મહારાજાનું પાત્ર અમારો  શાંતિલાલ દરજી ઉર્ફે ધ્રુતરાષ્ટ્ર  ભજવે છે સાથે દીવાનજીના

પાત્રમાં ગોદડિયો ભાથી ( ગોવિંદ ગોદડિયો)  ગોદડી વીંટાળતો ને ખૂણેથી ચાવતો પ્રવેશે છે .

ફાડુંસિંગ  કહે દેવોનજી ( દીવાનજી )પરથમ તો માતાજીનો ગરબો રૂમીઝુમીને ફરી લઈએ .

ચાલો તમારી વીજળીઓને હોંકારા દેકારા ને પડકાર કરી બોલાવો.

તા થા થા થે ઢોલ ને ભૂંગળો ને કાંસી જોડાંના  તાલથી આખું વાતાવરણ ગાજી ઉઠે છે.

ચાર પાંચ વીજળીઓ સ્ત્રી પાત્ર સ્વરૂપે હાજર થાય છે .એમણે ધૂમટા તાણી ગાય છે.

” હે ગોદડીયા રાજ રે અમને હોંકારા દીધા શા કાજ રે “

શણગાર સજીને બેઠીતી આજ કેવી રંગીલી છે સાંજ રે “

ગોદડિયા ભાથી કહે છે.

“વહાલી વીજળીઓ આજ રે ગાવા છે મા ચુંટણીના નાદ રે

ઝટપટ કાઢી નાખો લાજ ને  સંભળાવો ગરબાનો સાદ રે “

ગોદડિયા ભાથી જાહેરાત કરે છે મારા  વા’ લા હજ્જનો ને હ્ન્નારીઓ ને નાગાં ફરતાં ને

કુદતાં બાળકો કોઈએ ગરબામાં સીટી મારવી નઈ કે ગરબાનું અપમોન કરવું નઈ.

“હોન્તીથી  હોભારવાનું વચે ભાંભરવાનું  નઈ .તમને હઉને ચટણી માના હોગંદ.”

( શાંતિથી સાંભળવાનું વચ્ચે બોલવાનું નહિ . તમને સહુને ચુંટણી માના સોગંધ )

ઢોલ નગારાં ભૂંગળો ને કાંસી જોડાની રમઝટે મા ચુંટણી મૈયાનો ગરબો જામે છે.

તાક…ધીન..થા..થા …થે ના હોંકારા દેકારા ને પડકાર સાથે ગરબો શરુ થાય છે.

ગોદડીયા ભાથી ગરબો ગવડાવે છે ને વા’લી વીજળીઓ ગરબો ઝીલે છે.

મા ચુંટણી તે પંચથી ઉતર્યા ને મા ચુંટણી મા

મા પરવરિયાં ગુજરાત રે મા ચુંટણી મા

મા ગાંધી ગુજરાત શોભતું રે મા ચુંટણી મા

મા ગાંધી, સરદાર ગાથા ગાતું  રે  મા ચુંટણી મા

મા ગાંધીના નામે નગર વસાવિયું રે મા ચુંટણી મા

મા ગાંધીનગર બન્યું છે ગાંડીનગર  મા ચુંટણી મા

મા ગાંડીનગરનાં હાત હેક્ટર  રે ચુંટણી મા  ( હાત- સાત == હેક્ટર- સેક્ટર )

મા હાતે હેક્ટરમા બગલા ને બાગ રે મા ચુંટણી મા ( બગલા – બંગલા )

મા હેકટરે હેક્ટરે વસતા ઓંધીકારી રે મા ચુંટણી મા
( ઓંધીકારી -અધિકારી .કામને ઊંધું કરેતે )

મા એક હેક્ટરમા વસતા પરધોન રે મા ચુંટણી મા

મા “ઘેર ખાવું ને ઝેર ખાવું “એમનો સીધોન્ત રે મા ચુંટણી મા (સીધોન્ત – સિધ્ધાંત )

મા એતો હચીવાલયમા હરવરતા રે મા ચુંટણી મા
( હચીવાલય – સચિવાલય, હરવરતા –ફરતા)

મા ધોરા  ડગલા ને કારાં કોમ રે મા ચુંટણી  મા  ( ધોરા -ધોળા , કારાં – કાળાં, કોમ-કામ )


મા મફત રેવું ને મફત ખાવું ને મલે તે તોડી ખાવું રે મા ચુંટણી મા ( રેવું -રહેવું )

મા હવે ડાયી ડાયી વાતો કરશે રે મા ચુંટણી મા ( ડાયી – ડાહી )

મા વાયદુ ને વચનું ની કરશે લંગાર રે મા ચુંટણી મા ( વાયદુ- વાયદા , વચનું – વચનો )

મા તમે તો મારા સો ને ઉં તમારો સુ કેશે રે મા ચુંટણી મા (સો-છો, ઉ -હું , સુ -છું, કેશે-કહેશે )

મા મત હારું હોગંદ ખાશે ને ખવડાવશે રે મા ચુંટણી મા ( હારું-સારું ,હોગંદ-સોગંદ )

મા જીતી ને નાહશે ગાંડીનગર પોચ વરહે પાસા દેખાય રે મા ચુંટણી મા
(પોચ -પાંચ ,પાસા-પાછા )

મા ખમા ખમા ખમા તમારો આ ચેટલો છે પરતાપ રે મા ચુંટણી મા ( ચેટલો- કેટલો )

આમ રૂમીઝુમી ને  ગરબો પૂરો થાય છે.

તા..થા..થા થા..થા..થે.થે.તાક.ધીન.તક.તા.થા…થા… થે..થા..થા..થે…થે તાક ..ધીન..તાક 

મહારાજા ફાડુંસિંગ કહે  દીવાનજી ગોદાડિયા મને ઝંઝાનાવો ( જણાવો ) કે …કે…કે
કે..પપપપન.આઆ આપણા રાજમાં આ હંધુંય ( બધુંય) સુ  ( શું )ચાલી રયું છે .

દીવાનજી કે ( કહે ) “બાફું (બાપુ) આ નોની ( નાની )ગાડી ને જેમ જીભડી ( જીભ ) ચ્યમ (કેમ)
લબકારા મારે સે .” (નોની ગાડી – મીટર ગેજ)

“આપણા આ રાજમો (રાજ્યમાં ) એક ક્રોધસિંગ કડકસિંગ નામનો હુબો (સુબો) છે.”

” એ વની વનીનાં ( જાત જાતના ) લૂગડાં (કપડા ) પેરે સે. ભાતની દેહી (દેશી)ને પરદેહી
(પરદેશી) ફળિયાં ( પાઘડીઓ ) પેરે સે ( પહેરે છે )”

ત્યાં જ હાયરન ( સાયરન)  વાગે સે ને કાળાં લૂગડાં પેરેલા  ( પહેરેલા) બંધુકો લઈને દહ (દશ)

બાર ચેતક કમાન્ડો અને પાછળ પોલીસની ગાડીઓ પ્રવેશે છે.

આ કાળાં  કપડા પહેરેલા કમાન્ડોની પાછળ પોલીસ જોઇને ગામના બાળકો મહિલાઓ અને
વડીલો ભવાઈ વેશ જોવાનો પડતો મેલી નાસભાગ કરી મુકે છે.

ગોદડિયો ભાથી કહે ભઈઓ ( ભાઈઓ ) ને બુનો ( બહેનો ) બેહી ( બેસી) જાવ ગભરાવ નહિ .

છોકરા કહે ” ભાથી ભઈ આ કાળા કપડાંવાળા ડાકુઓ પાછળ પોલીસ પડી છે .”

આ ડાકુઓ ગામ લૂટવા આવ્યા છે કે શું ?

ફાડુંસિંગ કહે અલ્યા દીવોન ( દિવાન )આ હંધુય સુ સે એ હમજાય.

ગોદડિયા ભાથી કહે “આપણી સનેમા (સિનેમા )વાળાએ ડાકુઓ માટે કાળો પહેરવેશ બતાવે
રાખ્યો છે.

એટલે પ્રજા કાળા કપડાંવાળાને ડાકુ હમજે ( સમજે) છે .”

અને પાછળ પોલીસ હોય તો પોલીસ એમની પાછળ પડી છે એવું જનતાના મનમાં ઠસી ગયું છે.
” જોકે હવે તો આ ધોળા લૂગડાં વાળાય  ડાકુથી કમ નથી  “.

પેલા બંધુક ને કારતુસ બે જ  રાખે ને માલ લુંટી  જાય .

આવડા પરધાનો તો લુંટે પણ  ” પેન, પટાવાળો ,પી.એ. અને પત્ની એમ મળી પાંચ જણા 
લુંટે.”
(પેનથી લખે,પટાવાળો ને પીએ કટકી માંગે. પત્ની ઘરવખરી ને દાગીના માગી લે )

એ બધાની પાછળ  પ્રદેશના સૂબાની ગાડી ભોં  ભોં ભોં  કરતી ઝપઝપાટ  પ્રવેશે છે. 

ભાથી કહે બાફું ( બાપુ )આ પ્રદેશ હુબા( સુબા) છે “એમનું નામ ક્રોધસિંગ કડકસિંગ છે.”

“એ પરધાનું ને ફફડાવે સે. જો ઈમનો ફોનું આવે તો પરધાનું  કેવડાવે  કે પરધાન ઝાઝરુમાં
ગીયા સે” .

“ઘણા પરધાનું તો ફોનું  ( ફોન ) પર કુરનીશ બજાવતા હોય છે .”

ફોનુંમાં  હા સાયેબ હા સાયેબ ને કેડેથી વાંકા વળી સલામું કરતા જાય .

હંધાય (બધાય ) વૈવટ ( વહીવટ )મા એમને પુચવા (પુછવા ) જવું પડે.

હંધીય જગાએ એ ટેમ ( ટાઇમ ) કરતા મોડા જ પુગે ( પહોચે )

માનવ મેરામણ ( મહેરામણ) જોઇને એ ખીલે. એ ભાષણ ભરડે પણ બીજા કોઈએ
ભરડવાનું નઈ (નહિ)

મોટા મોટા સાયેબો ( સાહેબો- અધિકારીઓ )એમને પગે લાગે.

એમને હંધાય ફાળીયાં  ( પાઘડી ) પેરાવે (પહેરાવે )

” હમાજો ( સમાજો ) કાયર કરતા ( કાર્યકર્તા ) ભાત ભાતની પાઘડીયો પેરાવે .”
પણ એ કોઈ દિ  ” પા – ઘડી “ કોઈની પાંહે ( પાસે ) ના બેહે (બેસે )

થાક..ધીન..ધીન..થા..થા..થા.થે…..થે..થે થે ભાથી નાચે છે.

ગોદડિયા ભાથી જાહેરાત કરે છે આગળનો ખેલ શક્કરવારે ( શુક્રવારે )

જે માતાજી. જે માતાજી. તા થે થા તા તા થા થા થે થે તા તા થે થે થા થા થે
હાટકો-
“ચુંટણીયો રંગ તને લાગ્યો લ્યા ગુજરાત ચુંટણીયો રંગ તને લાગ્યો રે લોલ “
======================================================

સ્વપ્ન જેસરવાકર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s