ગોદડિયો ચોરો..ડબડબ ને કચકચ…

ગોદડિયો ચોરો..ડબડબ ને કચકચ…
==============================================
cropped-11.jpg
ગોદડિયો ચોરો ચૈત્ર માસના તાપના તપેલામાં ઉકળી રહ્યો છે. કાળઝાળ
ગરમી ભલભલાનાં હાંજાં ગગડાવી પરસેવે નહાવડાવી રહી છે.
ચર્ચાના ચગડોળે ચડેલો કોદાળો કહે” અલ્યા ચોરાના ચેપલિનો સાંભળો
 આ ચોરાની ગોદડી હવે ફાટી ને ગંધાઇ રહી છે ચારે ખુણેથી દોરા ટુટી
જવાથી એનો આકાર બદલાઇ ગયો છે માટે નવી ગોદડી વસાવવી પડશે.”
મેં કહ્યું ભાઇઓ ગોદડિયા ચોરાનું બજેટ કાંઇ ખાસ નથી તો શું કરીશું ?
કનુ કચોલું કહે જો તમે બધા કહેતા હો તો હું એક રસ્તો બતાવું જો કે ચોરા
માટે થોડીક મહેનત કરવી પડશે પણ વળતર સારું એવું મલશે.
ધૃતરાષ્ટ્ર કહે “ભસી નાખ ને !તારી જાતનું કચોલું મારું ! અક્ક્લનો પડિયો
કાણો થઇને લબક લબક ટપકે  છે મારા હાળા કચોલાનો “
કનુ કચોલું કહે જો હવે લગ્ન સરાની સિઝન આવશે આપણે પીરસવાનો
કોન્ટ્રાકટ લઇએ તો મફત જમવાનું ને પૈસા પણ મળે .
અમે બધાએ કચોલાના વિચારને વધાવી લીધો.
કોદાળાજીએ એક એન. આર.આઇને ત્યાં લગ્ન પ્રસંગમાં પિરસણીયા અને
રસોડાની દેખરેખનો સોદો પાક્કો કરી નાખ્યો.
પ્રસંગના દિવસે અમે બધા એક પાર્કમાં રસોડાના સ્થાન પર પહોંચ્યા.
વહિવટકર્તાએ રસોડાનું સ્થાન બતાવી રસોઇયા સાથે મેળાપ કરાવ્યો.
જમણવાર શરુ થવાને હજુ ચારેક કલાક્ની વાર હતી અમે રસોઇયા સાથે
મિત્રતા બાંધી . એમણે એમના અને અમારા માટે ચાની વ્યવસ્થા કરી.
ચાનો કપ હાથમાં લઇ મેં રસોડામાં આંટા મારવા શરુ કર્યા.
“પરદેશથી ઉડીને આવેલા આ પોપટે મહેમાનો આગળ રુવાબ બતાવવા
મિઠાઇઓ કચુંબરો ફરસાણ સાથે દાળ-ભાત ને ખિચડી-કઢી બનાવડાવેલાં.”
રસોડામાં મોટા મોટા ચુલા ઉપ” લિંબોળીમાં (દાળ- કઢી બનાવવાનું વાસણ)
બાજુ બાજુમાં દાળ ને કઢી ઉકળતાં ઉછળતાં અને બબડતાં હતાં.”
                          ( દાળ )
                           ( કઢી )આભાર ગુગલ દેવતા     
================================================
 દાળ કહે ”  અલી બોન (બહેન) કઢી શાને કાજે તું માંડવા વઢી “
કઢી કહે ” જો હોંભળ (સાંભળ) મારી બોન દાળ તને શેની પડી ફાળ “(ધ્રાસકો)
આમ સંવાદો ચાલે ને બંન્ને લિંબોળીમાં એક બીજાથી વધું ઉંચાં ઉછળે .
દાળ કહે વરામાં (જમણવાર) “મારો વટ પડે લોકો મિઠાઇઓ ને પુરી સાથે મારા
સબડકા ભરે ને આનંદ માણે .”
કઢી કહે “છાની રહે હવે છાની વરામાં તો મારોય વટ પડે છે મારો સ્વાદ જોઇને
લોકો મનેય વાડકો ભરીને પીવે છે .”
દાળ કહે “અલી ઓ ચઢી ચઢી ચબ ચબ કરતી કઢી હું તો તુવેર ચણા મગ મઠમાંથી
બનું છું . દુધ દહીં છાસ એવી કેટલીય પ્રક્રિયાઓમાંથી પસાર થાય ત્યારે જ તારું
અસ્તિત્વ જાહેરમાં આવે અને તોય ચણાની દાળનો લોટ ભેરવાય ત્યારે જ તારો
ખરો સ્વાદ આવે સમજી ચિબાવલી ચલક ચલોણી.”
કઢી કહે “બેસને હવે ડબડબ કરતી દાળ તારી ભાળ પણ અમે મેળવી લીધી છે.
તનેય ફાડીને બે ફાડ કરવી પડે છે ત્યારે તારું દાળ રુપી અસ્તિત્વ બને છે. ને
તને કુકરમાં નાખી સિસોટીયો વગાડવી પડે છે ત્યારે તો તું ઓગળું છું “
દાળ કહે “જો હું ભાત સાથે ભેળવાઇ જાઉં છું ને ભાત સાથે તને ભેળવવી હોય
તો મારી જ જરુર પડે જેમ કે ભભરી દાળ ને ખિચડી બનાવવી હોય તો પણ
ચોખા સાથે મનેય ભેળવવી પડે ત્યારે ખિચડી ને ભાત સાથે તારો મેળ જામે “
કઢી કહે ” બેસ હવે ફુલેકે ચઢતી મોટાઇની મલાઇ હું તો એવી છું કે ભજિયાંની
દુકાનોએ મારા વગર કજિયા થાય છે .”
દાળ કહે ” ઓ હણહણતી હહલી (સસલી) જો  ઢોંસાના ઠોંસા ખાવા હોય ને
ઇડલીની કિટલી ધમધમાવવી હોય તો મારા વગર સ્વાદના સટાકા ફિક્કા
ફટાકા થઇ જાય ને એ હોટલોના હાટકા વાગી જાય.”
કઢી કહે “ખમણનાં જમણ ને બટાકાવડાંનાં ચટાકેદાર બટકાં આ કઢીબેન કેરા
મિશ્રણ વિના ધુળધાણી લાગે સમજી ડહાપણની દાળ”
દાળ કહે ” ઓ કઢાપાની કઢી તારી જોડે ખવાતાં બધાંયે ફરસાણ મારામાંથી
જ બને છે . ચણાની દાળનો લોટ હોય તો જ ભજિયાં બટાકાવડાં બને અને
દાળવડાંમાં તો મારું નામ પહેલું જ આવે એટલે તું ગમે તેટલી કુદકા મારે કે
ઉછળે પણ મારામાંથી બનતી વસ્તુઓ વગર તારો ભાવ કોઇ ન પુછે “
કઢી કહે ” ઓ ડખા કરતી દાળ તારું ડબડબ કરતું મોંઢું સંભાળ અમે તો
આંતરરાષ્ટ્રીય એટલે કે દેશ પરદેશમાં ” કરી “ના નામે પ્રખ્યાત છીએ.
પરદેશમાં ગોરા અને કાળા લોકો ભારતીય રેસ્ટોરન્ટમાં જઇ પુછે છે કે
યુ મેક કરી ( તમે કરી બનાવો છો ) એટલી તો હું પ્રોપ્યુલર છું. “
દાળ કહે ” હા ભાઇ તને બધા કરી કહે છે પણ તું નવરી તને જમણવારના
પ્રસંગમાં લાવ્યા છે નરી ( NRI =નરી ) એટલે કરી જમણમાં ખરી (પડી )”
કઢી કહે ” બેસ ઓ ચિબાવલી ચક્લી તારા નામની કહેવતોનો પાર નથી
-દાળ ગળી નહિ – દાળ બગડી એનો દા’ડો બગડ્યો -દાળ દાઝી ગઇ –
દાળ દાઢે લાગી વિગેરે વિગેરે .”
દાળ કહે બેસને “બોલકણી બબલી તારીય કહેવતો છે – કઢી કઢાપો કરાવે
કઢી દાઢે ચડી – આ વરામાં કઢો ચ્યાં ઉકાળ્યો.- કાગડા કઢી પીવા આવ. “
હવે કઢી ને દાળ બંન્ને લિંબોળીમાં એક બીજાથી મોટાઇ દેખાડવા ઉછળતાં
હતાં ત્યાં કોદાળો ને કચોલું વાતો કરતા આવી ચઢ્યા જેવા બંન્ને વાતોમાં
મશગુલ હતા ને કઢીના ઉછાળાએ કચોલાની ઉપર છાલક મારી એવી જ
રીતે દાળના ઉછાળાએ કોદાળા પર કઢીનો ગુસ્સો ઉછાલવા છાલક મારી
બંન્ને ગરમ દાળ કઢી પડવાથી દઝાયા ને કપડાં બગડવાથી ગિન્નાયા.
કોદાળો કહે ” તારી તે જાતની દાળ મારું ને પછી…….ગાળ …દે “
કચોલું કહે  “તારી માની કઢી મારું  કોઇ નહિ ને તું મારી હડિયે ચઢી હવે
મારી બૈરી નાખશે વઢી કે આ કઢી તમારી પર ચમની (કેમની) પડી”
એ બેય જણા કાગારોળ ને કકળાટ કરે છે ને અમને હસવાની  મઝા પડી.
બોલો કેવી લાગી ” દાળની ડબડબ ને કઢીની કચકચ ” ?
જો સ્વાદના સાટકા બરોબરના લાગ્યા હોય તો વાટકા ભરી ઝાપટજો
“દાળ કઢી દાઢે લાગ્યાં હોય તો મીઠા મરચાં ધાણા લસણ ગોળ રાઇ મેથી
જીરું વિગેરે મસાલાના મિશ્રણની નોંધ ( અભિપ્રાય) અમને મોકલશો.”
ગાંઠિયો-
“લોકો માને છે કે દરિયામાં પાણી અપાર છે
પણ દરિયો જ જાણે છે કી આ તો નદીઓએ આપેલું ઉધાર છે !!!!”
===========================================
સ્વપ્ન જેસરવાકર

10 thoughts on “ગોદડિયો ચોરો..ડબડબ ને કચકચ…

  1. ગોવિંદ ભાઈ આવી વાર્તાની રચના કરતા મારે શીખવું પડશે .કઢીની વાત જાણી ,મારા મોઢામાં પાણી વછૂટ ગયું .એક વાત તમને કહું ?હું કઢી ખાતોજ નથી મારા મોટા દિકરાને કઢી બેહદ ભાવે છે,કાઠીયાવાડી ગરસીયોમાં કઢી ઉત્તમ ભોજન ગણાય છે 32 ભાતના ભોજન બન્યા હોય પણ જો કઢી ન હોયતો બધા ભોજન ઉપર પાણી ફરી વળે .
    તમારા જેવિયું કવિતાઓ મને નો આવડે પણ આ કઢીનું ઉખાણું તો સંભળાવ વુંજ પડશે .
    નહિ પ્રોટીન નહી કલસ્ટ્રો પણ ભલેરો હા (સ્વાદ )
    ગરસીયાભાઈની માનીતી કઢી રૂપાળી બા

    Like

    1. આદરણીય વડિલ શ્રી આત્તાજી

      આ વાત ખુબ ગમી આપ તો અનુભવોના ભાથાનું અનેરું ભાથું છો

      આપના લેખ કહેવતો વાર્તા બધું જ અનુભવના ગોળામાંથી તારવેલું માખણ હોય છે

      આપના શુભેચ્છા સંદેશ બદલ ખુબ આભાર

      Like

  2. બોલો કેવી લાગી ” દાળની ડબડબ ને કઢીની કચકચ ” ?

    જો સ્વાદના સાટકા બરોબરના લાગ્યા હોય તો વાટકા ભરી ઝાપટજો
    SwadNa Zataka….MoMa PaniNa Rela….AND so MazaNa Mataka !
    Saras Post !
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Avjo !

    Like

  3. વાહ વાહ ગોવિંદભાઇ,

    સ્વાદન સબડકા લેતાં લેતાં દાળ કઢીના સંવાદો સાથે ડબડબ ને કચકચ માણવાની અનેરી મજા આવી

    નવીનમ વિષયને શબ્દોએ શણગારવાની ઉતમ કળા આપે સિધ્ધહસ્ત કરી છે

    ધન્યવાદ આપને ને આપની કલમને !

    Like

  4. લોકો માને છે કે દરિયામાં પાણી અપાર છે
    પણ દરિયો જ જાણે છે કી આ તો નદીઓએ આપેલું ઉધાર છે !!!!”

    કેટલી સાચી વાત સહેજમાં જ કહી દીધી, અને તે પણ કઢીના સબડકા સાથે!!

    Like

Leave a comment