Tag Archives: ભગવાન

ગોદડિયો ચોરો…ભગવાન ભાજપ દ્વારે…

ગોદડિયો ચોરો…ભગવાન ભાજપ દ્વારે…

========================================================
ગોદડિયાચોરામાં કલ્પનાનાં ભમતાં ભૂતો ફર્યા કરે છે એટલે કોઈએ ભૂતે મને ઝડપી
લીધો એમ સમજી દોડાદોડ ના કરવી મતલબ કે બંધ બેસતી પાઘડી ના પહેરવી.
========================================================
ભગવાન કોંગ્રેસની કચેરીએથી પરત ફર્યા બાદ અમે બધાયે ખુબ જ મનોમંથન
કર્યું .
સર્વ ચોરાના મિત્રોએ પોતાના સૂચનો રજુ કર્યાં. હવે પ્રભુએ ટિકિટ માટે ભાજપના
દ્વારેજવાનું નક્કી કર્યું હોઈ તેમના વસ્ત્રોની તૈયારીમાં અમે લાગી ગયા.

” હે ચન્દ્રેશ્વરે ધર્યો છે ચોરણો ને કાનજીએ કસ્યું છે મજેદાર કેડિયું
પ્રભુને શિર શોભે પાઘડીમાં પીંછુ મોહનજી પગે મોંઘી મોજડીયુ  “
પ્રભુ સાથે અમે બધા રીક્ષામાં ખાનપુર ભાજપ કાર્યાલય પહોંચ્યા .
પ્રભુ કહે અલ્યા ગોદડિયા આમને ખાન ( મુસ્લિમો) સાથે ફાવતું નથી તો પછી
ઓફીસ ખાનપુરમાં કેમ બનાવી મારા વા’લા મારા કરતાય જબરા નાટકબાજ 
લાગે છે.
મેં કહ્યું પ્રભુ આમણે સત્તા પર આવવા માટે હિન્દુત્વનો નારો લગાવી હિન્દુઓના
મત ઉઘરાવી સતા મેળવી લીઘી . હવે ગુજરાતમાંથી દિલ્હી જવા રસ્તો કરવા આ
ખાન કોમની જરૂર છે .
ખાનપુર ભાજપ કાર્યાલયમાં પ્રવેશ્યા તો કોઈએ અંદર ખબર આપી કે પ્રભુ પધારે 
છે.
ત્યાં તો પ્રદેશ પ્રમુખ રણછોડ ફળદુ, નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ,પરશોતમ
રૂપાલા, ભીખુભાઈ દલસાણીયા, વિજય રૂપાણી અને મુખત્યાર અબ્બાસ નકવી
સામે લેવા આવી ગયા.
બધા કહે પ્રભુ આપના નામના આ એક કેશુબાપા વળગ્યા છે પરિવર્તન માટે અને
અમે હજુ સત્તાથી ધરાયા નથી  તો અમને સત્તામાં  તારી દ્યો.
મેં પ્રભુનો બાયોડેટા બતાવીને કહ્યું હાલ તો પ્રભુ તેમના માદરે વતન દ્વારિકાથી
વિધાનસભા લડવા માંગે છે એટલે અમે તમારી પાસે પક્ષની ટિકિટ માટે આવ્યા
છીએ.
પ્રમુખ શ્રી રણછોડભાઈ ફળદુ કહે ” બાપો બાપો જામ્યો અસલ સોરઠિયો શામળો
લાગે છે “ આ કેડિયું ચોરણો અને માથે પંચરંગી પાઘડી . ” વાહ મારો વાલમો
અમ દ્વારે પધાર્યો છે “

પ્રભુ અમે પણ પાઘડી પહેરીએ છીએ. “અમારા મુખ્ય મંત્રી જુદી જુદી
પાઘડીયોના શોખીન છે .”
પ્રભુ કહે તમને અને મુખ્ય મંત્રીને કાર્યકરોએ, જુદા જુદા સમાજના આગેવાનોએ
અને પ્રજાએ ખુબ અવનવી પાઘડીઓ પહેરાવી સન્માન્યા ને નવાજ્યા છે.
” પણ તમે આ પાઘડીના સન્માને  “પા – ઘડી ” ય એમની પાસે બેઠા છો ખરા કે
એમને મનથી બોલાવીને ” પા – ઘડી ” સરાહ્યા છે ખરા.”
મને કોઈએ પાઘડી પહેરાવી નથી પણ હું મારા ભક્ત નરસૈયાના પ્રેમને વશ થઇ
પાઘડી પહેરી હુંડી સ્વીકારવા આવે લો .
તમે તો જનતાને વચનો રૂપી પાઘડીયો પહેરાવી છે અને કાર્યકરોને મજૂરોની જેમ
જુદા જુદા મેળાવડામાં રાત દિવસ દોડાવીને પણ તેમના દુખ દર્દ કે ફરિયાદો
સાંભળી જ નથી.
ત્યાં તો  વિજય રૂપાણી દોઢ ડાહ્યા થઈને કહે પ્રભુ પ્રથમ તો આપે આ નામ બદલવું
પડશે ?
મેં પૂછ્યું કેમ ભાઈ આ કૃષ્ણભાઈ નામ તો બાળકો વડીલો યુવાનો માતાઓ બહેનો
દરેકના હૈયામાં વસી ગયેલું છે.
વિજય રૂપાણી કહે આ ” ક ” થી શરુ થતા નામોએ તો અમારા નાકે દમ લાવી
દીધો છે
કેશુભાઈ, કાશીરામ, કનુભાઈ કલસરિયા , કર્ણાટક, કમળ, કર્ણાવતી , કેશોદ,
કુકાવાવ, કરમસદ , કલ્પસર અને કોંગ્રેસ .
આ બધા ” ક ” રાત્રે દરેક ભાજપીના સ્વપ્નમાં આવીને ડરાવે છે કે અમારી સત્તા
ના છીનવી લે !
મેં કહ્યું આ કમળ, કર્ણાટક, કર્ણાવતી , કલ્પસર, કરમસદ , કેશોદ ,કુકાવાવ આ
બધાનું શું છે?
રૂપાણી કહે જુઓ પ્રભુ કર્ણાટકમાં લોકાયુક્ત નીમ્યો તો યેદુરપ્પાની કેવી દશા થઇ
એટલે અમે ગુજરાતમાં લોકાયુક્ત નીમતા નથી.
કલ્પસરમાં વાપરવાના બધા નાણાં છે જ નહિ એટલે દર પાંચ વર્ષે ચુંટણી પહેલા
છ માસ અગાઉ અમે સર્વે કરાવી નાળીયેર વધેરીએ છીએ.
કરમસદ એટલા માટે કે અમારે સરદારનું નામ વટાવીને ચુંટણી વખતે મત
મેળવવાના હોય છે.
કર્ણાવતી નામ કરી દઈએ તો મુસલમાનોના વોટ અમને મળે નહિ એટલે સમયે 
સમયે  અમે કર્ણાવતી નામ કરીશું એમ લોકોને ભડકાવીને મત ખંખેરી લઈએ
છીએ.
કેશોદ અને કુકાવાવમાં કેશુભાઈ અને બાવકુ ઉઘાડ નડે છે.
કમળમાં ” ક ” આવે છે એટલે હવે અમારું ચાલે તો ” લોટસ ” કરી નાખીએ અને
પ્રજાને  કહીએ કે..” લોટ – અસ ” એટલે કે અમને સત્તામાં પાછા લોટાવો .
આનંદીબહેન કહે પ્રભુ તમારે એવી તે શી જરૂર પડી કે તમને ચુંટણી લડવાના
અભરખા જાગ્યા છે ?
પ્રભુ કહે બહેન તમારું નામ આનંદીબહેન છે પણ ચોવીસ કલાકમાં તમે ક્યારેય
આનંદમાં હોતા જ નથી. કાયમ ચઢાવેલું  અને ગુસ્સાવાળું વદન હોય છે.
પ્રભુ કહે આનંદીબહેન “તમે મહેસુલ મંત્રી છો કે વસુલ મંત્રી છો “
તમે તો સાત જન્મ જેટલું વસુલ કરવા માંડ્યું છે સાથમાં  તમારા સુપુત્ર સંજય
અને જમાઈ જયેશ છે.
જગતમાં પહેલા એવા મહેસુલ મંત્રી જોયા કે જેમના રાજમાં ગાંધીજી અને સરદાર
પટેલ જેવા ભારતના રત્નોની રતીભાર જમીનો ના બચે બધી વેચાઈ જાય.
પરશોતમ રૂપાલા કહે પ્રભુ આ ભાષણ  બાષણ તમને ના ફાવે એતો મારા જેવા
મજેલાનું કામ.
પ્રભુ કહે સાચી વાત છે ભાઈ. તમે જે ભાષણમાં કહો તેનો અમલ કાર્યકરો બીજા
દિવસે જ કરે.
તમે એક વખત કહ્યું કે દરેકને બતાવી દો કે અમે શિસ્ત બીસ્તમાં માનતા નથી .
“ભારત બંઘ વખતે કાર્યકરોએ સ્ટેટ બેંકના મેનેજરને માર માર્યો”.
તમે તો રાજ્યના પૈસા ક્યાં ને કેમના વપરાય એ માટે કોઈ ના પૂછી શકે કે
માનનીય રાજ્યપાલ ના પૂછી શકે એવું વક્તવ્યમાં કહ્યું હતું. “નામ છે પરશોતમ
પણ બોલી ફર્શોતમ (ફરશી જેવી) છે.”
નરેન્દ્રભાઈ કહે કૃષ્ણભાઈ તમે યાદવ છો અને યુપી બિહારમાં ગમન કરી ગયા છો
મારે તો   ” છ કરોડ  ગુજરાતીઓની ચિંતા કરવાની છે “
કૃષ્ણભાઈ કહે ખરી વાત જો તમે ગુજરાતી તરીકે છ કરોડ ગુજરાતીઓની વાત
કરો છો પણ!!!!!!!!!!!
” જયારે વિધાનસભા, લોકસભા કે રાજ્યસભાની ચુંટણી વખતે આ વિધાન તમે
ભૂલી જાવ છો “
જો એમ જ હોય તો ટીકીટની ફાળવણીમાં ” લાલ કૃષ્ણ અડવાણી, અરુણ જેટલી ,
સ્મૃતિ ઈરાની મધુ શ્રીવાસ્તવ , સી.પી.પાટીલ આ બધા કેમના આવી જાય છે ”
આ ક્યાં ગુજરાતી છે ?
નરેન્દ્રભાઈ કહે કૃષ્ણભાઈ મારેય આ બધાને સાચવવા પડે ને ?
આ તો ભાષણમાં ગુજરાતની ભોળી પ્રજાને ભોળવવાની અને પાનો ચડાવી મત
ખંખેરી  લેવાના.
મુક્ત્યાર નકવી કહે કૃષ્ણભાઈ આ તમારો ધંધો ગયો ચરાવવાનો ખરું ને ?
હવે તમે ગાયો માટે ગોચર શોધો તો અમે અંબાણી, અદાણી, તાતા, નિરમાવાળા
અ બધાને કેવી રીતે જમીન આપી શકીએ.
આ બધા તો અમારા માટે દૂઝણી ગાય જેવા છે . જેમની પાસેથી પૈસા લઈએ
છીએ અને તેમનાં વિમાનો અને હેલીકોપ્ટરો મફતમાં વાપરી ઉડાઉડ કરીએ
છીએ.
બીજું કે  ગૌવંશ પ્રતિબંધની જે સાધુ સંતો માંગણી કરે છે એમને ગાંઠતા નથી  જો
તમે જોડાવતો એમને પ્રેરક બળ મળે . અને પાછુ અંદોલન સબળ બને .
અમે કસાઈભાઈઓને ચુંટણીઓ જીતવા મત મેળવવા જે છુટ આપી છે એનું શું
થાય.?
અમારે તો હિન્દુઓને કહેવાનું ગાયોની કતલ નહિ થવા દઈએ અને
કસાઈભાઈઓને કહેવાનું તમ તમારે કતલ કરે રાખો !!!!!
અમારે તો ફક્ત સત્તા મેળવવા મત જોઈએ છીએ.પછી ભલેને બન્ને કોમ લડી
ઝઘડી મરે ?
પ્રભુ કહે વાહ ભાઈ વાહ જબરી તમારી આ  “ભાગા – જાગા – પાર્ટી ” સત્તા માટે
સહુને મારે ?
જુઓને આ તમારા રાજ્યમાં જેનું પીંછુ હું મુગટમાં લગાવું છું અને મા
સરસ્વતીજીના વાહન એવા હજારો મોરનું નિકંદન કાઢી નાખ્યું છે.

તમે સત્તા માટે માનવ તો ઠીક પણ પશુ પક્ષી અને પ્રાણીઓનું પણ નિકંદન કાઢી
નાખો તેવા છો.!!
ભગવાન શ્રી કૃષ્ણ કહે જે પક્ષ સત્તા માટે ખોટા ખર્ચા કરી  દરેક કોમને લડાવી મત
ખંખેરવાનું કામનો
જેનો આશય હોય તેવા પક્ષમાંથી મારે લડવું નથી. તમારી ટીકીટ તમને મુબારક
!!!!!!!!!!!!!!!!!!!
સાટકો==
ભય ભૂખ ભાષણ અને ભ્રષ્ટાચાર જેવા ભારોભાર લક્ષણો નેતા નામની જાતિમાં
જોવા મળે છે!!!!!!!
================================================================

સ્વપ્ન જેસરવાકર