Tag Archives: મતદાર યાદી

ગોદડિયો ચોરો…મોહન મતદાર યાદીમાં

ગોદડિયો ચોરો…મોહન  મતદાર યાદીમાં

===============================================================

ગોદડિયા ચોરામાંથી આવીને  જમી પરવારીને સોફા પર આરામ ફરમાવતાં ટીવી પર

ન્યુઝ આવતા તે  જોતો અને દેશ દેશાવરના બનાવોની ચેનલો દ્વારા કાલ્પનિક કહાનીઓ

પર વિચારતો હતો ત્યારે જ  “બીવીનો ફ્યુઝ માગણીના લીસ્ટ પર ઝબુક ઝબુક થતો હતો “.

એમ કરતા કરતા ક્યારે આંખ મીચાઈ ગઈ તેની ખબર જ ના પડી .

ત્યાં જ મારા મોબાઇલ પર ” તંબુરા કોમ્યુનીકેશન ” દ્વારા નારદજીનો ફોન આવ્યો .

શ્રીમતીજી રસોડામાંથી બરાડતા બરાડતા કહે ……

 ”ક્યારનો આ પીહુડો ક્યારનોય વાગે છે જરા ઘરમાં ધ્યાન  રાખો .”

મેં ફોન ઉપાડી કહ્યું હલ્લો હલ્લો કોણ બોલે છે ? કોનું કામ છે ? ક્યાંથી બોલો છો ?

નારદજી કહે અલ્યા ગોદડિયા ” હલ્લો હલ્લો કેમ કરે છે ? આમેય અમે હવે હાલી ગયા છીએ.”

જો જયારે તું  “પરમેશ્વરીય પરિષદ ” ના હેવાલ અર્થે અહી સ્વર્ગમાં આવેલો ત્યારે ઘણા

દેવોએ તારી સાથે અંગત મંત્રણા કરી હતી  ખબર છે ને ?

તે સમયે તું મહાદેવ શંકર, રામચંદ્રજી,સહજાનંદ સ્વામી, ભગવાન વિષ્ણુ, બ્રહ્માજી ,

શિરડીવાળા સાઈ બાબા અને દ્વારિકાધીશ રાજા ભગવાન શ્રી કૃષ્ણચન્દ્રજી ને મળ્યો હતો.

ભગવાન શ્રી કૃષ્ણજીએ તારી સાથે ગુજરાત બાબતે ચર્ચા કરી હતી ત્યારે તે કહ્યું કે ૨૦૧૨ના

ડીસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચુંટણી આવશે . હવે જયારે એ સમયને ચાર કે પાંચ

માસ રહ્યા છે ત્યારે દ્વારિકાધીશની ઈચ્છા વિધાનસભાની ચુંટણી લડવાની છે . તો આ માટે

તને જાણકરવા ફોન કર્યો છે . તેને માટે કઈ વિધિ કરવી પડે ? શું કરવું તે જાણવું છે ?

મેં કહ્યું દેવર્ષિ પ્રથમ તો  “તેમનું નામ મતદાર  યાદીમાં દાખલ કરાવવું પડે ને તેમનો સંપૂર્ણ

લાયકાત દર્શાવતો બાયોડેટા તૈયાર કરવો પડે પછી બધાય પક્ષોના મોવડી મંડળ સમક્ષ

ઉપસ્થિત રહી પોતાના ટેકેદારો સાથે મક્કમતાથી રજૂઆત કરવી પડે “.

દેવર્ષિ નારદજી કહે જો તું મતદાર યાદીમાં નામ લખાવી બાયોડેટા તૈયાર કરવી દે અને હા

જો ચુંટણી પાછી તેમની રાજધાની દ્વારિકાથી લડવાની ઈચ્છા છે. તો જોરદાર તૈયારી કરજે .

આપના બધા ભક્તોને સમજાવી  દેજે કે !!!!!!!

“પ્રાતઃ સ્મરણીય ભક્ત વત્સલ ભગવાન શ્રી દ્વારિકાનાથ રાજધાનીના શહેર દ્વારિકાથી

ગુજરાત વિધાનસભામાં પ્રવેશવા ડંકાની ચોટ પર આજે શંખનાદ કરે છે “….

” જય હો દ્વારિકાનાથનો   …જય રણછોડ …જય દ્વારિકાધીશ.”

મેં કહ્યું વાંધો નહિ હું આજે જ દ્વારિકા પ્રયાણ કરું છું .

આજ કાલ મતદારયાદી સુધારણા કાર્યક્રમ જોરશોરથી ચાલી રહયો છે.

દ્વારિકા જઈ મેં મતદાર અધિકારીની  ઓફિસમાં જઈ મતદાર યાદીમાં નામ ઉમેરવાનું ફોર્મ

લઇને  ભર્યું .

મતદાર અધિકારી  સાહેબ કહે ભાઈ આ કોના નામનું ફોર્મ ભરો છો ?

મેં કહ્યું  “રાજરાજેશ્વર દ્વારિકાધીશના નામનું ફોર્મ ભરું છું “
.
મતદાર અધિકારી સાહેબ કહે આ વળી રાજ રાજેશ્વર નવતર પ્રાણી કોણ છે ?

“અત્યારે તો ગુજરાતના રાજ રાજેશ્વર કહો કે ગુજરાતના નાથ તો માનનીય શ્રી નરેન્દ્રભાઈ

મોદી જ છે “

મેં કહ્યું આ રાજ રાજેશ્વર એટલે “દ્વારિકાનો નાથ ભક્ત વત્સલ ભગવાન શ્રી કૃષ્ણજી મહારાજ.”

“આ કૃષ્ણભાઈનું  રેશન કાર્ડ લાવો તેમના રહેઠાણનો દાખલો લાવો તેમનો પાન કાર્ડ નંબર

લાવો.” તેમને ઓળખતા હોય તેવા બે સાક્ષીઓ લાવો .

પંચાયત અગર મ્યુનીસીપલ દ્વારા રહેઠાણનું  પ્રૂફ લાવો આવા અનેક ઘણા સવાલ તેમણે

કર્યાં.

મેં કહ્યું ભાઈ આતો સોનાની દ્વારિકાના રાજા છે. દેવાધિદેવ છે . તે આખા જગતના નાથ છે .

મતદાર અધિકારી કહે જો આટલું બધું હોય તો ” તે ઇન્કમ ટેક્સ ભરતા હશે તેનું પ્રૂફ લાવો .”

જો એ આખા જગતના  નાથ હોય તો પછી એમને મતદાન શા માટે કરવું છે ?

એમને ચુંટણીમાં ઉમેદવારી શા માટે કરવી છે ?

“આખી સોનાની દ્વારકાના ધણી હોય તો પછી ચુંટણીમાં ઉભા રહી ભાડાં ભથ્થાં અને કટકી

કરીને કેટલી દ્વારિકાઓ વસાવવી છે.” આટલું બધું હોવા છતાં ધરાતા જ નથી. ?

મેં કહ્યું ભાઈ આ “પ્રધાનો એકાદ દશકમાં કેટલું બધું કમાયા છે” છતાયે હજુ ધરાતા જ નથી

એનું શું ?

મતદાર અધિકારી કહે જુઓ ભાઈ આ દાખલાની પંચાતમાં  પડ્યા વગર અમને પણ સોનાની

દ્વારકાવાળા પાસેથી  લાખ બે લાખની પ્રસાદી ધરાવી દો તો આપનું કામ થઇ જશે બોલો છે

મંજુર  ?

મેં કહ્યું સાહેબ આપના સાહેબ તો કહે છે કે ” હું ખાતો નથી અને ખાવા દેતો નથી “

ભાઈ આ બધા “ભાષણીયા ભજનોનાં મંજીરા ખખડાવે છે ” બધા જ ખાય છે અને ખાવા દે છે

સમજ્યા !

જોયું નહિ આ પરસોતમ સોલકી ૪૦૦ કરોડ ખાઈ ગયા હાઇકોર્ટ પણ કહે છે  “તોય સરકાર

માનતી નથી “.

એટલે રોકડ રકમની મિઠાઈ ધરાવશો નહિ ત્યાં સુધી કોઈ કામ થશે નહિ .

જુઓ આ તમારા ભગવાન કહો કે દેવ કહો………………………………………….
 
“જયારે બઢતી કે બદલીની અરજી લઇ મંદિરમાં જઈએ છીએ ત્યારે પ્રથમ એક શ્રીફળ

વધેરીને એકાવન કે એકસો એકનો પ્રસાદ ધરાવીએ ત્યારે જ અરજી ધ્યાને લે છે ”  

આ પ્રથા તેમનાથી જ ચાલી આવે છે !

મેં કહ્યું ચાલો તમને પ્રસાદ ધરાવી દઉં છું. બસ હવે તમે રાજી ને ?

તો સાહેબ કહે ચાલો લાવો ફોર્મ નામ દાખલ થઇ જશે.

એમની ઉમર ૧૮ વર્ષની ઉપરની છે ને ?

” આ તમે નાના બાળકનો માખણ ખાતો ફોટો લાવ્યા છો એટલે જરા ચકાસણી કરવી પડે ને “

“નહિતર બાબલા બાબલીના ફોટા હોય ને પાછા બોગસ મતદાન કરવા આવી જાય એટલે

જરા પુછુ છું ? ફોર્મમાં વિગતો આ પ્રમાણે હતી.

મતદારનું નામ –  “કૃષ્ણભાઈ વાસુદેવ યાદવ “

પિતાનું નામ –  “વાસુદેવભાઈ યાદવ ” -અને  ” નંદભાઈ “

ઉમર –  “યુગોના યુગો “

માતાનું નામ – “દેવકી બહેન ” અને  “જશોદા બહેન “

સરનામું-  “દ્વારિકા નગર “,   “સમુદ્ર કિનારે  “. ” રાજમહેલ “.

 મતદાર અધિકારી સાહેબે ફોર્મ ચકાસી  મંજુર છે એમ કરી નામ દાખલ કરી દીધું ને કહેવ

લાગ્યા .

દ્વારિકા શહેરની મતદાર યાદીમાં” ક્રમાંક નંબર ૧૦૦૮ પર કૃષ્ણભાઈ વાસુદેવભાઈ યાદવ

“નામ આવશે

જોકે ભેટ અને પ્રસાદ સાથે ચા ભજીયાં ગાંઠિયાના ઓડકારથી આખી મતદાર અધિકારીની 

કચરી સંતુષ્ઠ હોઈ

ઝાઝી ખણખોદ કર્યાં સિવાય મતદાર યાદીમાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્રજીનું નામ દાખલ થઇ

ગયું .

મેં હર્ષ ઉલ્લાસથી આનંદના ઉદગાર કાઢી પ્રભુ કાર્ય સુપેરે પર પડ્યાનો ઓડકાર ખાધો.

નોધ- હવે પછીના હપ્તાઓમાં વિગતવાર “દ્વારિકા વિધાનસભા= ૩૧  ” માટે દ્વારિકાધીશ

ટીકીટની માંગણી કરે છે

દ્વારિકાધીશ બાયોડેટા બનાવી દરેક પક્ષોના કાર્યાલયે જાય છે ત્યારે પક્ષોના પાર્લામેન્ટ્રી બોર્ડ દ્વારા કેવા કેવા સવાલ જવાબ થાય છે .

 ભગવાન દ્વારિકાધીશના પ્રત્યુતરોની રોમાંચક કથા હાસ્ય અને કટાક્ષ સહીત  માણવા “ગોદડિયો ચોરો” વાંચો.

સાટકો – “જગતના વહેવારોની કથા પણ કૈક એવી અનેરી છે

                 કે જગતના નાથને પણ પુરાવા આપવા પડે છે “

================================================================================

સ્વપ્ન જેસરવાકર