Tag Archives: સ્વપ્ન..એક..નંબરી…બે..નંબરી..કથા..ચોરો..ગોદડિયો

ગોદડિયો ચોરો…એક નંબરી બે નંબરી

ગોદડિયો ચોરો…એક નંબરી બે નંબરી

==================================================================

ગોદડીયો ચોરો

સરદાર જયંતિના દિને સરદાર સાહેબે કહેલી વાતોને સતત વાગોળતા ચોરાનાં પાત્રો એના
અનેકાનેક અર્થ કાઢી રહ્યા હતા. દિવાળીના શુભ પર્વોના નવલા દિવસોમાં પણ
મોઘવારીના રાક્ષસો પ્રજાને પીડી રહ્યા હતા. નુતન વર્ષાભિનંદનની મેઇલ ને એસએમસના
સતત મારાથી મઠિયાં ઘુઘરા કે સુંવાળી મગસ મિઠાઇ વગર જ ધરાઇ ગયા હતા.
કારતક સુદ ચોથ ને લાભપાંચમ વચ્ચે કોણ  અડધું ને કોણ આખું એની ચર્ચાના ગણિત ગણતો
પથારીમાં પડ્યો ને આંખ મિચાઇ ગઇ તો અજબ ગજબનું સપનું ડોકિયાં કરી ગયું.
સપનામાં અમે “ગોદડિયા ચોરાનું ભુંડ જેવું ઝુંડ ગુજરાતના વિધાનસભાના અધ્યક્ષ
શ્રી વજુભાઇને સરદાર સાહેબનો અમુલ્ય સંદેશ પાઠવવા એમના બંગલે સેકટર ૨૦માં ગયું.
વજુભાઇ વાળાએ એમના કાઠિયાવાડી લહેકામાં આવકારી ચા નાસ્તો કરાવ્યો ને બધા
ધારાસભ્યોને લાભપાંચમના સપરમા દહાડે સેકટર ૨૦માં આવેલા સર્કિટ હાઉસમાં એક
સ્નેહ મિલન કાર્યક્રમ યોજવા જણાવ્યું.”
જેમ “વેપાર તેમજ અન્ય ઉદ્યોગગૃહો નવા વર્ષે શુભ મહુર્તે ને ચોઘડિયે દુકાન કે કંપનીની
શરુઆત કરે છે તેમ આ તોડખાઉ એસોશિએશન દ્વારા લાભ પાંચમના વિજય મહુર્તે ચર્ચાના
ચણા વટાણા વેરવા મઠિયાં સાથે ગઠિયા ને સુંવાળી સાથે શઠિયા દડબડ કરતા આવ્યા.”
એક બીજાને સાલ મુબારકના સંદેશા પાઠવતા ને ભેટીને ભજિયાંની ભુકરી જેમ પોતાના
નેતાનાં વખાણ કરતા તો કોઇ વળી નેતાની બાબતમાં ઉગ્રતાથી ભ્રકુટી સાથે બાંયો પણ
ચડાવતા જોવા મલ્યા.
“મુબારક ને બદલે  ઘુંબારક  બની જાય તે પહેલાં એક વડિલ નેતાએ બધાને કહ્યું કે ભાઇઓ
આમેય આપણે ગૃહમાં ને જાહેર કાર્યક્રમોમાં રાહુ કેતુની જેમ બાઝ્યા કરીયે છીએ સમયે સમયે
લાભ પાંચમને બદલે ભલા લાંચમના લાખેણા દાવ ખેલીયે છીએ ત્યારે તો ઝઘડતા નથી
પણ વહેંચીને તોડી ખાઇએ છીએ તો આજે  દિલ ખોલીને ચર્ચા કરીએ ને બધાને સાંભળીએ.”
(ગ્રાંટ ફાળવતી વખતે ને બીજા બધામાં ટકાવારી હિસાબે = લાંચમ).
“પ્રથમ તો વા-ઘેલા શંકરે તાંડવ  નૃત્ય કરતા હોય એવી લાક્ષણિક અદામાં મોટુંમસ ભાષણ
ભરડી નાખ્યું તો કેટલાક તો ઝોકે ચઢી ગયા હતા. તાલીયોના ગડગડાટથી એ જાગ્યા ખરા.
આમેય ગૃહમાં કે સમારંભોમાં કેટલાય લાબી નિંદર ખેંચી લેતા હોય છે.”
ત્યાં કોઇ સિનેમા રસિક સભ્યે કહ્યું ભાઇ આવું તો રોજ પક્ષના વડા મારફતે સાંભળવા મલે છે.
આપણે હસી ખુશીના મેળાવડા માટે મળ્યા છીએ તો કોઇક ગીતોનુ ગાન કરો તો રંગ જામે.
બસ પછી તો જેમ “મહાભારતના અર્જુન પાસે શસ્ત્રો હતાં તેમ આધુનિક અર્જુનભાઇ પાસે પણ
જીભાસ્ત્ર (જીભ શસ્ત્ર) હતું. એમણે તો એમની ખાસ અદામાં જીભાસ્ત્ર ગાન છેડી દીધું.”
“અમારે તો સોનિયાજી એક નંબરી ને રાહુલજી બે નંબરી
  તમારે તો સાહેબ એક નંબરી છે તો પછી કોણ બે નંબરી ?”
પછી  ભાજપ ભજન મંડળના ભજનિકો જેમ વારો આવે તેમ બે નંબરીનાં ગીતો લલકાર્યાં.
“નિતીન કહે એક જ હું ન કોઇ તીન વાત કહું છું ખરી
અમારે તો સાહેબ જ એક નંબરી ને હું જ છું બે નંબરી”
“બહેન કહે નામ મારું આનંદી ને લોકો કહે છે જબરી
અમારે તો સાહેબ જ એક નંબરી ને હું જ છું બે નંબરી”
“સૌરભ કહે હું છું દલાલ ને નામે સ્ટ્રીટ છે શેર બજારી
અમારે તો સાહેબ જ એક નંબરી ને હું જ છું બે નંબરી”
“ના બન્યા કોઇ મિત મારા બનાવ્યો યુપીનો પ્રભારી
અમારે તો સાહેબ જ એક નંબરી ને હું જ છું બે નંબરી”
“ના મળી ટિકિટ કે સારો હોદ્દો નામ મારું છે નરહરી
અમારે તો સાહેબ જ એક નંબરી ને હું જ છું બે નંબરી”
“નામ ભુપ પણ શિક્ષણ પંચાયતની પંચાત છે જબરી
અમારે તો સાહેબ જ એક નંબરી ને હું જ છું બે નંબરી”
“વિજય કે’ ફુંકાશે વિજયનો નાદ કહી રહ્યો છું પોકારી
અમારે તો સાહેબ જ એક નંબરી ને હું જ નિવેદન કારી”
“બાબુ દિનુ પરસોતમ કે’ કેસ ચાલ્યા ને જેલની વારી
અમારે તો સાહેબ જ એક નંબરી ને અમે કેદી જ નંબરી”
“નવા સવાને હોદ્દા ચેરમેન બનવાની લાલચ રહી મારી
 કહે સાહેબ એક નંબરી ને અમે લુંટીયે લક્ષ્મી બે નંબરી”
એમાં કોંગ્રેસનાં કલબલિયાં ગાતા નેતાઓએ એમનો કટાક્ષ રાગ જોર શોરથી ગાયો.
“શક્તિ – સિધ્ધાર્થ કહે ધીરા પડો ને સાંભળો વાત અમારી
બધે સાહેબ છે એક નંબરી ક્યાં કોઇનેય ગણ્યા છે બે નંબરી “
પછી “ભાજપીયા ને કોંગ્રેસીયા એમની વર્ષો જુની ગધ્ધાલાત જેવી આદત મુજબ હોંકારા
ને પડકારા કરતા ખુરશીયો ઉછાળતા કાગળિયાં ફેકતા એકબીજા પર ઘા કરવા લાગ્યાને
બધાય સામ સામે સુત્રોચાર કરી તું તું તું મેં મેં મેં કરવા લાગ્યા.”
“આવાં જનસેવકોનાં વરવાં રુપાચરણ જોઇને ઠેકડી ઉડાવણ શ્રી શ્રી ગોદડિયાજી વદ્યા.”
“સ્વપ્ન”માં ગોદડિયો બોલ્યો ના કરો લ્યા બુમ બરાડા ભારી
દેશમાં જનતા એક નંબરી ને જનતાએ હરાવ્યા તો ઘેર નંબરી”
“જેમ ફિલ્મ “ગુમનામ”માં મેહમુદ “હંગામા હંગામા…હમ કાલે હૈ તો ક્યા દિલ વાલેં હે ”
ગીતના અંતમાં સપનામાં શાકભાજી લોટ ને દાળ ચોખા ફેંકા ફેંક કરી બધું અવળ સવળ
કરી નાખે છે એમ પણ ગોદડિયો સપનામાં ગોદડી ફાડતો જાય ઓશિકાં ફાડી ફેંકતો જાય છે
અને મોટેથી મોટેથી ગાતો જાય છે ……”
“જનતા એક નંબરી ભાઇ જનતા એક નંબરી
ને જનતા વિફરે તો થાય જવાનું ઘેર નંબરી…થાય જવાનું ભાઇ ઘેર નંબરી.”
મારાં ધરમ પત્ની કહે હવે ઉંઘમાં આ બધું શુ બબડો છો. અહીં ક્યાં જનતા છે ને તમે ઘેર જ છો.
બસ પછીતો ઉંધ ઉડી ગઇ ને નરસિંહ મહેતાના પેલા ભજનની જેમ મનેય યાદ આવ્યું કે,,,,,,,
“જાગીને જોઉં તો ના ભાજપીયા કોંગ્રેસીયા દીસે
ફાટેલી ગોદડી અને ઓશિંકાઓનાં ચિંથરાં ભાસે “
 
ગાંઠિયો=
નંબરો કેરી ગણતરી બધી ને નંબરના છે બધા વાદ
નંબર મેળવવા હોય તો છોડવો પડે અહમ-દા-વાદ”
(અહમ-દા-વાદ == અહમનો વાદ)
===================================================
સ્વપ્ન જેસરવાકર