Tag Archives: સ્વપ્ન..કથા..શુ…નામ..ઓહોહોહો..ગોદડિયો..રાખ્યાં…ચોરો..

ગોદડિયો ચોરો…ઓહોહોહોહો શું નામ રાખ્યાં છે ?

ગોદડિયો ચોરો…ઓહોહોહોહો શું નામ રાખ્યાં છે ?
=============================================
cropped-11.jpg
ગોદડિયો ચોરો જામ્યો છે. અવનવી દેશ દેશાંતરની વાતોના ચર્ચાના ચકડોળ
ચકરાવા લઇ ગોળ ગોળ ઘુમરડીઓ ફરી રહ્યા છે.
ત્યાં જ કોદાળો કચોલું ને ગઠો જાણે લડતા ઝઘડતા હોય તેમ એક બીજાને ઘુરકી
પોતાની વાત જ સાચી હોય એમ પ્રવેશ્યા.
ગોરધન ગઠો કહે હવે મારી વાત સાચી કે તારી વાત સાચી એ આ ગોદડિયાજીને
પુછી નક્કી કરીએ બસ !
નારણ શંખ કહે અલ્યા શેની બાબતે ઝઘડો છો ? વાત શું છે ?
કચોલું કહે જો શંખ આ બધા દેશોનાં નામ કેવાં છે અને એનો અર્થ શું એની ચર્ચા
કરતા હતા તો આ કોદાળો મહા જ્ઞાની બસ એની વાત જ સાચી એમ કહે છે !
કોદાળો કહે મેં કહ્યું કે’ આ ”  એક રાજાને મેરી નામની રાણી હતી એક દિવસ કોઇ
બાબતે રીસાઇ ગઇ ને ખાવા પીવાનું છોડી દીધું બધાયે સમજાવી પણ ના માની”
એટલે રાજા પોતે એને મનાવવા માટે ગયા ને સમજાવી પટાવી કહેવા લાગ્યા.
” આ-મેરી-ખા ..જો તુ ખાઇ લેશે તો દેશનું નામ તારા આ રિસામણા પર રાખીશ.”
મેરી માની ગઇ ને રિસમણું છોડી ખાવાનું ચાલું કર્યું ત્યારથી  એવડા એ દેશનું
નામ રાજાએ ” આમેરીખા “રાખ્યું જે કાળક્રમે અપભ્રંશ થઇને અમેરિકા થયું.
મેં કહ્યું ભાઇ તમારું અનુમાન જે હોય તે પણ મે એનો અર્થ આવો કર્યો છે.
” જુઓ “અમે ” શબ્દ આખી દુનિયામાં ગુજરાતીઓ જ બોલે અને અમે શબ્દનું
અંગ્રેજીમાં ” વી ” ( WE) થાય “
જ્યારે  રિકા એ મેકસીકન શબ્દ છે . ખુબ પૈસાદાર માટે ” મુચો રિકો કે મુચા રિકા”
શબ્દ મેક્સીકનો વાપરે છે . તેઓ કહે પતેલ મુચો રિકો. ( પટેલ ખુબ ધનવાન છે )
” પૈસાદાર કે રિકા શબ્દનું અંગ્રેજી રિચ ( RICH ) થાય.”
એટલે અમેરિકા કહે ” વી રિચ ” ( WE RICH )
અહીં “અમે ને રિકાવાળા એટલે કે ગુજરાતીઓ ને મેક્સીકનો મહેનત કરે ને કાળિયા
ધોળિયા મફતનું તોડી ખાય  છે.”
કનુ કચોલું કહે મેકસિકો નામ કેમ પડ્યું એની કથા હું કહીશ.
ભદો કહે કચોલાજી કથા કરો.
સ્પેન ઇંગ્લેંડ ફ્રાંસ વગેરે દેશો સત્તા ભુખ્યા થઇ વિદેશોને ધમરોળતા હતા.
અમેરિકા શોધ્યા પછી મામા ફોઇ કાકા બાપાના દિકરાઓ જુદા જુદા દેશોમા
પથરાઇ જઇ જે તે દેશને લુંટતા ને શાસન ચલાવતા હતા. બીજા સૈનિકો તો કોઇ
વાર રાજાના કુટુંબી જનો એ દેશની મુલાકાત લેતા.
સ્પેનના રાજાના સૈનિકો જે દેશમાં રાજ કર્તા એ દેશની મુલાકાતે “સ્પેનનો
રાજકુમાર મેકો જવા નીકળ્યો. સમુદ્રમાં વહાણમાં એને નિંદર આવતી નહોતી.
એટલે સૈનિકો કાપડનું ખોયું (પારણું- ઘોડિયું) બનાવ્યું ને હિંડોળવા લાગ્યા .”
પાણીની ઝાપટો  ને પવનના જોરથી ખોયું શિંકા જેવું થઇ ગયું.
(જુના જમાનામાં ઘી- દુધ- માખણ ઉંચે શિંકામા મુકાતાં)
” સૈનિકો મજાકમાં મેકો શિંકો બની ગયો એમ કહેતા હતા.”
એ દેશનું નામ “મેકો શિંકો ” પડેલું વખત જતાં અપભ્રંશ થઇ મેક્સિકો થઇ ગયું
કોદાળો કહે હવે બ્રાઝિલ દેશના નામની વ્યાખ્યા હું કરીશ.
અઠો કહે હવે તું ઓડનું ઝોડ વેતરવા બેઠો છું તો જલ્દી વેતર.
કોદાળો કહે ” એ દેશમાં એક બે નહીં પણ બાર ઝિલ હતી એ દેશના રાજાની એક
માનીતી રાણીને ગણતરીમા બાર ને બદલે ભ્રાર બોલતી હતી રાજાએ એ શબ્દને
સુધારી  કાયમી બનાવવા ને લોક્જીભે એ શબ્દ ચઢી જાય માટે એક દાન દિવસ
નક્કી કર્યો.” રાજાને રાણી એ દિવસે મહેલની ટોચે ઉભા રહી દાન કરતા હતા.
એક સમયે રાજા અને રાણીએ ઢંઢેરો પિટાવ્યો કે કાલે રાજા જે દાનની વસ્તુ ફેંકે
તે બધાએ ઝીલી લેવાની . જો નહીં ઝિલાય ને નીચે પડશે તો દંડ થશે.
બીજા દિવસે “રાજા અને રાણીએ મહેલની ઉપરથી બ્રા(આંતર વસ્ત્ર) ફેંકી પ્રજાએ
ધડાધડ ઝીલવા માંડી એટલે રાજાએ જાહેરાત કરી આજથી દેશનું નામ
બ્રાઝીલ )”
ભદો ભુત અબ ક્યુબા કથા સુનાઇંગ.
ભદો ભુત કહે ભૈ થોડાક અબે તબે વાળા એક દેશમા પોંચી (પહોંચી) ગયેલા તે
કોઇ કશું કરે તો દાદાગીરી કરીને કે“ ક્યું અબે ” એમ બબડતા હતા એટલે ઇવડા
ઇ દેશનું નામ ક્યું અબેનું અપભ્રંશ થૈ “ક્યુબા”  પડેલું .
જુઓને “ફ્રિડલ કાસ્ટ્રો હજુય અમેરિકા કશુંય જો બોલે તો ક્યું અબે કરીને
મહાસત્તાને ધધડાવે રાખ્યે છે કે નૈ.”
ધૃતરાષ્ટ્ર કહે વેનેઝુલાનું વર્ણન હું વર્ણવીશ.
એના રાજાની રાણીનું નામ વેનીલા હતું પણ રાજા પ્યારમાં એને વેનું કહેતા.
હવે મારી જેમ  રાજાઓને જાત જાતના તુક્કા સુઝે.
“રાજા વાજાં ને વાંદરાં કદીય સીધાં ચાલે ખરાં પ્રજા પર કમરતોડ કરવેરા નાખી
નેકમર તોડી નાખે ને પાછા એ પૈસામાંથી તાજ મહેલ બનાવે.”
રાજા રાણી બાગમાં ફરવા જાય ત્યાં ઝુલા બનાવડાવી વેનું ને ઝુલે ઝુલાવે ને
ગાય..
” બહારોં ફુલ બરસાવો મેરા મહેબુબ ઝુલા હે…મેરા મહેબુબ ઝુલા હે “
હવે અમારી રાજાઓની જાત રાણીઓને ખુશ કરવા જાત જાતનાં ગતકડાં કાઢે.
એટલે એ ખબુચિયા રાજાએ વેનીલાનું વેનું કર્યું ને પછી વેન કરી પાછળ ઝુલા
લગાડી દઇને દેશ્નું નામ ” વેનેઝુલા” કરી દીધું.
હમણાં એના પ્રેસિડેન્ટ ચાવેસ હ્યુગોનું અવસાન થયુ. છેલ્લા ૧૪-૧૫ વર્ષથી
લોક્પ્રિયતા પામેલા પ્રમુખે ક્યારેય અમેરિકા સામે નમતું જોખ્યું નથી કે
એની વાત માની નથી.
“પાકિસ્તાન અને બાંગ્લા દેશ સામે ઘુંટણિયે પડી જતા ઓ ભારતના દેશ નેતાઓ
જરા શીખો ક્યુબા ને વેનેઝુલા જેવા નાના દેશો અમેરિકા સામે ઝુકતા નથી તો
પછી આ  બે બગલ બચ્ચાંને જડબાતોડ જવાબ આપતાં શું થાય છે ?”
વાચક મિત્રો આપના પાસે કોઇ પણ દેશની કરમ કુંડળીનું ટીપણું હોય તો જરુરથી
આ  ગોદડિયા અખાડાના ગોદડિયા ગુરુના શિષ્ય ” ઠાઠડીયા બાપુ ” ને મોકલી આપશોજી
ગાંઠીયો=
ચિંતન બેઠકોમાં ઘણાં તન દેખાય છે પણ ચિત ક્યાંય નજરે પડતું નથી
===================================================
સ્વપ્ન જેસરવાકર