Tag Archives: સ્વપ્ન…કરિ…કેટ…ધોકણ…ચંપા..કથા..સાસુ..ક્રિકેટ..બિલાડિયો..ઉંદર..ગોદડિયો..ચોરો

ગોદડિયો ચોરો…ધની ધોકણનું કરિ- કેટ ગનાન

ગોદડિયો ચોરો…ધની ધોકણનું કરિ- કેટ ગનાન.
===============================================

ગોદડીયો ચોરો

ખંતીલા ખંભાતના ગાદલા તલાવે ગોદડિયા ચોરાના ચબુતરાએ બેઠક જામી.
ચોરામાં ધૃતરાષ્ટ્ર, કનુ કચોલું, ગોરધન ગઠો, અઠો, બઠો, ભદો ભુત વિસયા(ટવેન્ટી) 
વિસયા કપની મેચોની ચર્ચા કરતા હતા.
ત્યાં પરમવીર હિન્દી ગુજરાતી અંગરેજી ને સ્પેનિશ મિશ્રીત ભાષાના ભડણિયા
ભડાકેબાજ કોદાળાજી એક સ્ત્રી ને એક ડોશીમા સાથે  ગરજતાં પધાર્યાં .
પેલી સ્ત્રીને ડોશીમા એક બીજાને ભારતપાકિસ્તાન જેમ લડતાં ઝઘડતાં હતાં .
મેં કહ્યું કોદળા આ બંન્ને કોણ છે ? તે બંન્ને આમ બજારમાં કેમ લડે છે ?
પેલાં ડોશીમા બોલ્યાં ” આ મારી વઢકણી વહુ ચોંપલી ચંપાડી છે “.
ચંપા જંપ (ઠેકડો) મારી બોલી ” આ મારી હાહુ (સાસુ) ધની ધોકણ છે.”
ધની ધોકણ કહે  ” આ ચેટલાય (કેટલાય) દા’ડાથી પેલા ડબલામાં ખબુચિયા
બુહલાથી ( ધોકણીયું -કપડાં ધોવા માટે ગામડામાં વપરાય તે)  કશુંક ટીચે છે
તે વખતે આ ચોંપલી મોટેથી બુમો પાડી કે’ છે હેય ધોની ધોની એમ કરી મને
મેણાં ટોંણાં મારે છે અલી મુઇ ઉં (હું) ચ્યોં બગડેલી છું તે મને ધો..ની ધો..ની કહે છે.
મેર મુઇ આવી નાહક વંઠેલી વઉ (વહુ).”

cricket_ women

ચંપા કહે  આ ડોહલીને કરિકેટની રમતની જરાકય હમજણ નથી.
ધની ધોકણ કહે ” આ જરાક મને પછવાડે નાનું અમથું ગુમડું થયુ છે તે બાવી (બાવીસ)
દા’ડાથી વાહ વાહ કોયલી હેય કોયલી એમ એવાં તો મેણાં ટોણાં મારી વોંદરા (વાંદરા)ની
જેમ થેકડા મારે છે. આખરે તો કડવી કારેલી જેવી કાશી ડોશીનો વેલો એમ જણાયા વગર
થોડો રે (રહે).”
ચંપા ચોંપલી કહે ” આ ડાકણ જેવી ડોસલી ને હાપણ ( સાપણ) જેવી સાસુ એને  કોણ
હમજાવે કે આ કરિ કેટ શું છે ?. બાપ જન્મારામાં જોઇ હોય તો ને!”
જો રમતમાં હમજણ (સમજણ) હોય તો આ ગોદરિયા સોરાવારાને કો (કહો).
ધની ધોકણ કહે  “હવે આ ભસવાનું બંધ કરી લુલીને વશ રાખ. એમ કરતાં કરતાં
એમણે તો ચણિયાનો કાછડો વાળીને ઉભડક પગે બેસી ગયાં. સાલડામાંથી ધોકણું
(બુસલું- ગામડામાં તલાવે કપડાં ધોવા કચરવા માટે વપરાય) કાઢ્યું .”
અઠો બઠો કહે વાહ રે હવે ધોકયણા કરિ કેટનો રંગ જામશે .
ધની ધોકણ કહે ” જો એક સોકરો (છોકરો) પેલું ધોરુ (ધોળું) કે લાલ રંગનું ગોર ( ગોળ)
ઉંદયડું (બોલ ને ઉંદર) નોંખે ( નાખે ) એટલે હોમેવારો (સામેવાળો) સોકરો બુહલા કે
ધોકયણા વડે એને ઝુડે ને મેંદાનમાં (મેદાનમાં) જાય એટલે જેમ બીલાડીયો જેમ
ઉંદયડાને જોઇ પકડવા દોડાદોડી કરી મુકે એમ બધાય બિલાયડી જેમ એને પકડવા
દોડાદોડી કરે એને કરિ એટલે કેટલીય ને કેટ એટલે બિલાડી .આખા ચોકમાં ( મેદાનમાં )
દહ (દશ) અગિયાર બિલાડીયો દોડતી જ હોય છે ને.?”
ચંપા ચોંપલી કહે ” વાહ ધોકણમા તમને તો કરિ કેટનુ જબ્બર ગનાન (ગ્યાન) છે.
તો ચિયા ચિયા ( કયા-ક્યા) દેશો આ કરિ કેટ રમે છે એનું ગનાન છે ખરું ?”
ધની ધોકણ કહે ” જો હિંદ માતાના સોકરા કરિ કેટ રમે છે ખરું કે નહિ ?”
ધૃતરાષ્ટ્ર કહે હ એ ખરુ પણ દુનિયાના બીજા કયા દેશો રમે છે એ તો કહોને ?
ધની ધોકણ કહે ” ઓ ગોધરિયા ચોરાના બચુડિયા આમ ઉભડક બેહી (બેસી) જાવ
ને  આ ધની ધોકણના ડાચેથી (મોંઢેથી) આ બુહલાથી ઉંદયડાને ધોતા ને એને ઝાલાવા
બાટકતી બિલાડીયોની દેહ દેહાવર (દેશ દેશાવર)ની કથા હોંભરો (સાંભળો)”
”  હિન્દ માતાના સોકરા કરિ કેટ રમે તો હિન્દ માતાની બેનના દેશ વારાય રમે છે
એને ‘ ઓરમાનીસ્તાન ‘ (પકિસ્તાન) અને ઓરમાની બેન નો ભાણિયો કરિ કેટ રમે છે
એને ‘ ભાણિયા દેશ’ કે’વાય . ખરેખર તો એને‘ ડબલા દેશ’  કે’વાય મારા ભૈ (ભાઇ)ના
હારા (સાળા) હિન્દ માતા હોંમે (સામે) ઓંછો ( આંખો) કાઢે ને પાછા ડબલું લઇને
માંગણિયાતની જેમ માગવા બેસી જાય. “
કોદાળો કહે વાહ ધોકણકાકી વાહ હવે બીજા દેશો વિશે વર્ણન કરો.
ધની ધોકણ કહે  પેલા મરી મસાલાના વેપાર હાતર ( માટે) આયેલા ને રાજ કરવા
બેસી ગયેલા એમના ભૈ ભાગે જુદા પડેલા બે બગલ બચ્ચાંની વાત કરી લઉં પછી
એની વાત કરીશ અલ્યા ભદીયા ભુત પોણી બોણી (પાણી ) પીવડાય .
પછી એક કળશ્યો પાણી પી ને ધોકણ ધમધમાટ ધોકણીયે ચઢ્યાં.
 ” જો પેલા હિન્દ માતાથી હારી કાલે બલુને ચડી ‘ સિડની’ ( સીડી-નિસરણીની બેન )
જ્યા ને ત્યોં જઇ ‘મેલ – બોન‘ (મેલ્બોર્ન) જશે. એ હારી ગયા એટલે ઇ  બિચારા
‘  આંસુ સારતા ટાલિયા ‘ હશે ઇમને હવે તો ‘ ઓ-સ્ટાલિયા ‘  કહેવાય ને ?
એ પેલા ધોરિયાનો પહેલા ખોળાનો ભોણિયો ( ભાણિયો) કહેવાય બરાબર ને ?
” હવે તને બીજા ભોણિયાની વાત કરું તો એણે આપડને પે’લાએ હરાયા ને સતત
જીતતા ગયા ને સગા મોમા (મામા) હોમે (સામે) હારી ગયા ને ઘર ભેગા થયા.
એ દેહ (દેશ) એટલે ‘ સમાચારી ટાપુ ‘   (ન્યુઝીલેન્ડ) જો  હવે ન્યુઝ એટલે તો
સમાચાર થાય હવે  ન્યુઝી એટલે સમાચારી થાય ને લેન્ડ એટલે ટાપુ .”
છેલ્લે  ” આ ધોકણ ગલોલાની રમત હોધી (શોધી)  એ દેશવારા મરી મસાલા
હોધવા (શોધવા) આપડે ત્યોં આયા હવે એ દેશ‘  ઇંગ’ (હિંગ) લેન્ડ કહેવાય છે.
તો એને ‘ ઇંગ ટાપુ’ કે ‘ હિંગ ટાપુ ‘ કે’વાય કે નહિ. એમને તો  ‘ હેંગ ટણપા ‘
કહો તો ચાલે ચમ કે રાજ કરતા ત્યારે કનૈયા કુંવર જેવા ભગતસિંગ સુખદેવ
ને રાજગુરૂને ઇવડા એમણે હેંગ (ફાંસીએ લટકાવી દીધેલા ) કરી દીધેલા ને ?”
ધોકણકાકી કહે બોલ ગોધરિયા છે ને મને આ કરિ કરિ કેટનું ગનોન (જ્ઞાન).
મેં કહ્યું ” કાકી તમે સાસુઓની ને ચંપા વહુઓની ટીમ બનાવે પછી  આપણે
ગાદલા તલાવે ” દશિયા / દશિયા (૧૦/૧૦) કપ રમાડીશું…!!!!!!!!!!!!!   “
ગાંઠિયો-
” હવે તો રમાશે ભાઇ દશિયા દશિયા કપ
    સાસુ ને વહુ ટીમોમાં હશે જીતનો  જંપ
   સંવાદો પણ જબરા જામશે ચોટલા ખેંચ
   રન લેવા કે આઉટ કરવા અવનવા પેચ .”
==============================================
સ્વપ્ન જેસરવાકર