Tag Archives: સ્વપ્ન..ખરઘોડો..કાળસંગ..ગોદડિયો..ચોરો

ગોદડિયો ચોરો…કાળસંગનો ખરઘોડો

ગોદડિયો ચોરો…કાળસંગનો ખરઘોડો
==============================================
cropped-11.jpg
ધાડસંગના દિકરા કાળસંગને રંગે ચંગે કઢીની પીઠી ચોળાઇ ગઇ ને ગોચર વેળા
થઇને કાળસંગના મિત્રો ને સગાં વહાલાંએ વરઘોડો કાઢવાની તૈયારી કરી.
ગોરબાપાને દખણા (દક્ષિણા ) લઇ ઘેર જવાની તલાવેલી લાગેલી જો કે ગોરજી
જાણતા હતા કે અહીં કાંઇ વધારે ફીણવાનું નથી પણ ભાગતા ભુતની ચોટલી ભલી
એમ મન મનાવી ગોરબાપા વિધિ કરાવતા હતા.
હવે ધાડસંગના ભાઇ ફાડસંગ ને કોદાળો ઘોડાની શોધમાં નિકળેલા પણ ધાડસંગે
ચુંટણી ટાણે કોઇનાં બીલ ચુકવેલાં નહિ એટલે કોઇ ઘોડાવાળા વરઘોડા માટે
આવવા તૈયાર થયા નહિ.
ફાડસંગ કહે “અલ્યા કોદાળાજી મારો ભતરીજો ( ભત્રીજો) ઘોડો ના બેહે (બેસે) તો
તો આબરૂના કોંકરા ( કાંકરા) થૈ ( થઇ) જાહે ( જશે). અવે (હવે ) આ વછેરા (ઘોડા )
હાતર (માટે) ચ્યોં ચ્યોં (ક્યાં ક્યાં) હૈડીયા ફેરા(આંટા ફેરા) કરવા પડશે.
કોદાળો કહે ” ફાડસંગ ભા (ભાઇ) જુઓ ફક્ત વરકો ઘોડા પર બેસાડનેકા હે મેરી
બાત  માનો તો એક પાંચ ફુટ ઉંચા હોવે એસા ગધેડા ઢુંઢ લેતે હેંગે . ઉસકો રંગ
લગાકે  ઉપર કાપડકા ઓઢા બનાકે પહના દેંગે સબકુ બોલેંગે યે ધોલા ઘોડા હેંગે “
બંન્ને જણા એક ગધેડાના માલિક પાસે જઇ ભાવતાલ કરવા લાગ્યા.
માલિક કહે ભાઇ ” અમેરિકન ઓલાદનો આખા દેશમા આ એક જ ગધેડો છે. એની
ખાસિયાતો આંતર રાષ્ટ્રીય કક્ષાની છે. છેલ્લા બે દાયકાથી ક્લિંન્ટન હિલોરીબોન
હેલે ચડયાં હતાં હવે ઓબામાજી કહે આ ગધેડો અમને આપો આને અમારી પાર્ટીનું
જિવતું જાગતું નિશાન બનાવવું છે”
માલિક કહે ભૈલા આ બધી માહિતિ ને સરનામું તમને ક્યાંથી મળ્યું.?
તો ઇવડા ઇ કહે ” આ બધી માહિતી ગુગલ સર્ચ કરીને મેળવી છે.”
માલિક કહે હમણાં અન્નાજી ઉપવાસ પર બેઠેલા ત્યારે એને લઇ હું દિલ્હી ગયેલો.
“મારો વા’લો મને ઉઠાં ભણાવી સંસદ ને રાષ્ટ્ર્પતિ ભવનની લોન ચરી આવેલો.”
જ્યારથી આ ” હન- હદ (સંસદ) ભવનની લોન ચરવા ગયેલો ત્યારથી જાત
જાતનાંનખરોં (નખરાં) શીખી લાયો ( લાવ્યો) છે. મારો બેટો નાના છોડવાને
લાતો મારે છે.ને રાતે બીજા ગધેડાંની સભા ભરી ભાષણ ઠોકે છે”
માલિક કહે અને ભાષણ પણ કેવું ભલ ભલા નેતાઓને છક્કડ ખવરાવે એવુ.
જુઓ ભાઇઓ આ બધા આપણને ગધેડા તરીકે ભાર વેંઢારવાનું પ્રાણી કહે છે  અને
આપણા મધુર રાગને વગોવે છે પણ જે બધા આ દેશનો ભાર અમે જ ઉઠાવીએ
છીએ એવું કહે છે.
તે બધા ” આપણી જનેતાના જણેલા બંધુઓ છે તે આપણી જેમ હન-હદ ભવનમાં
બેસીને આપણી જેમ ભોં કે છે ને એક બીજાને લાતાલાત કરે છે.”
ભૈલા એટલે ઇવડા ઇ નું નામ ” લોન્ચર “ (લોન ચર ) રાખ્યું છે.
એ બેય જણા પાંચ ફુટનો ધોળો બાસ્તા જેવો ગધેડો લઇને આવી ગયા.
બજારમાંથી ઘોડાને ઓઢાડવા જેવો ઓછાડ પણ સાથે લાવેલા . સમી સાંજનો
સમય ને પેટ્રોમેકસના અજવાળે ગધેડો પણ ઘોડા જેવો જ લાગતો હતો.
હેલબેન વળીબેન સુતળીબેન ખંજરીબેન, કાથીબેન કડછીબેન ને ચમચીબેન
વિગેરેના “હરખના હુલામણે ગામના નારીવ્રુંદના ગીતોના ઘમકારે ને
ભાઇબંધોના ચિચિયારી કેરા ચમકારે કાળસંગને ઘોડે અરે ભુલ્યો બાપલિયા
ભુલ્યો ગધેડે ચડાવ્યો.”
ઘોડાને ઓઢાડવા જે ઓછાડ  લાવેલા એના પેંગડામાં કાળસંગના બુટ પહેરેલા
પગ ચસોચસ એવા ફીટ થઇ ગયેલા કે ખેંચો તોય ના નીકળે .
કાળસંગ એ ભાઇબંધ દયલા દમલાને કહે અલ્યા મને પગમાં દુખે છે ને ભીડાય છે.
“દમલો કહે અવે છોનીમોની ( છાનો માનો) પૈણવું (પરણવું ) ને પાસો (પાછો)
પગની પતર ખોંડે (ખાંડે) સે. (છે). ગોડે (ઘોડે) ચડવું સે ને ગોમ (ગામ) ગોંડું (ગાંડુ)
કરે સ.”
વરઘોડો ગોઠવાઇ ગયો. ભુખણજીએ ભુંગળો ભમભમાવી તો માખણજીએ મંજીરાંને
ખખડાવ્યાં ખંજરી ને પિહુડો પણ ધમ ધમાટ હિલોળે ચઢ્યાં ભાઇબંધો પણ ભડાકા
ને ધડાકા ધમાકાભેર કરતા હતા. ગામનું મહિલા વૃંદ લહેકાથી લગ્ન ગીતોના
ગુંજારવ ગજાવતું હતું
ઘોડાની પાછળ ધાડસંગ એમના વયસ્ક વડિલો સાથે ચર્ચા કરતા ચાલતા હતા.
તો મહેમાનોમાં બે ચાર ભુતપુર્વ થઇ ગયેલા માજી ધાડાસભ્યો ધાડસંગ સાથે
આપણા સમયમાં પગાર ને ભથ્થાં નજીવાં હતાં ને  પ્લોટનો ઘાટ તે સમયે  કોઇના
પણ મનમાં આવેલો નહિ તેની હૈયા વરાળ ઠાલવતા ડગમગ ડોલતા ચાલતા
હતા.
ભાઇબંધોમાં એક અવળચંદો “ભમો ભમૈડો” હતો.
એણે ” કેમ કાળસંગ ચ્યમનું હાલે સે ” (કાળસંગ કેમનું ચાલે છે ).
એમ વાતો કરતાં અંધારાનો લાભ લઇ દોરાથી લસણિયા ટેટાની ચાર પાંચ
લહેરખી બાંધી દીધી. ને બીડી સળગાવી ટેટાને ચાંપી દીધી.
આજ સમયે એક માજી ધાડાસભ્યે કહ્યું ભાઇ ધાડસંગ મને તો જોડો ( બુટ) ડંખે છે.
ધાડસંગ કહે “ભઇ મોંકાણજી હુ કોક ને મેલવા મોક્લુ એમ કહી પાછળ ફર્યા ને….
એટલામાં ધડાધડ ટેટા ફુટવા લાગ્યા ને ગધેડો ભડક્યો ને ચાર પગે થઇ ગયો
ને ધડામ કરતી લાત ઠોકી તે સીધી ધાડસંગની પુંઠે જોરથી લાગી.”
“ગધ્ધા મહારાજે એ જ સમયે એમની સ્વર પેટીમાંથી પેલી જગમાં જાણીતી
બનેલી હોંચી..હોંચી..હોંચી..હોં..ચી…હો..ચી..ની પ્રખ્યાત ધુનનો રાગ
આલાપ્યો.”
ભાઇબંધો કહે “અલ્યા આતો…વરઘોડો…નહી..પણ ..ખરઘોડો નીકળ્યો છે.”
આ બાજુ “ધાડસંગને ગધા મહારાજનો લાત રુપી અનમોલ પ્રસાદ પ્રાપ્ત થયો
પણ પરસાદનો સ્વાદ સોજામાં પરિવર્તીત થયો ને ઓ બાપ રે મરી ગયો રે” એવા
ગામ ગાજે એવા સુરે ગાળોનો અવિરત વરસાદ વરસવા લાગ્યો.
“આ ફાડિયા (ફાડસંગ)ને કોદાળાને કયા ચોઘડિયે કાળિયા (કાળસંગ) હારુ (માટે)
ઘોડો લેવા મોકલ્યા તો ગધેડીના ગધેડો લૈ ( લઇ) આયા .”
આ બાજુ પુંછડે બાંધેલા ફટાકડા ફુટે એમ ગધેડો કુદાકુદ ને લાતંમ લાત કરી એવો
ભાગ્યો કે જાણે ઓલ્મ્પિક દોડમાં પહેલો નંબર લેવાનો હોય એમ દોડ્યો.
એના પર કાળસંગ બની ઠની સવાર થયેલો ને પગ પેંગડામાં ભેરવાઇ ગયેલો
એટલે નીચે ઉતરી શકાય એમ હતું નહીં. કાળસંગે પડવાની બીકે ગધેડાના બે
કાન પકડ્યા. જેમ કાળસંગ ગધેડાના કાન ખેંચે એમ ગધેડો જોરથી દોડે. એમ 
ગધેડો જાય હડહડાટ દોડતો એમ પાંચેક ગામની ભાગોળ આંટો મારી કાળસંગને
અધમુવો કરી નાખ્યો.
” કાળસંગ દેકારો કરે ઓ બાપા મરી ગયો મારે નથી પૈણવું મને હેઠો ઉતારો”
ગધેડા મહારાજ તાને ચડેલા એમ કાંઇ કાળસંગને છોડે ખરા !
છેવટે ગાડીમાં પેટ્રોલ ખુટે ને ગાડી આચકા મારે તેમ હોંચી હોંચીની વ્હિસલ
વગાડતા ગધા મહારાજ છઠા ગામની ભાગોળે આવી હાંફી ગયો હતો.
“ગધેડો જરા સંસ્કારી હશે ને કોઇની પાસે વાત સાંભળી હશે કે પછી કોઇના
લગ્નમાં એણે  નિહાળ્યું હશે એ જ્ઞાન વિદ્યાનો ઉપયોગ કર્યો.”
ગામની ભાગોળે સ્મશાન હતું ત્યા કોઇની ચિતા ભડભડ બળી રહી હતી ત્યાં
એક્દમ જોરથી જગ જાણીતો રાગ છેડી ધસી ગયો.
હોંચી હોંચીની જગ પ્રસિધ્ધ સાયરન સાંભળી ડાઘુઓ આજુબાજુ ખસીગયા.
“ગધેડાજીએ કાળસંગજીને લઇને ચિતાની આજુબાજુ સાત સાત ફેરા ફર્યા.”
એની આદત મુજબ ચિતામાં લાકડાં મુકેલાં એને લાતો મારી વંછેરી (વિખરી)
નાખ્યાં ડાઘુઓ એક્દમ હેબતાઇ ગયા ને ગધેડાને નસાડવા લાગ્યા.
પછી ગધા મહારાજ એક ઝાડની નીચે શાંતિથી ઉભો રહ્યા જાણે કે પોતાના સગા
દિકરાનેલગ્નમાં પરણાવવાનો આનંદ માણતા હોય એમ હાશકારો અનુભ્વ્યો.
ડાઘુઓ કહે ” ભાઇ શું નામ છે ? ગધેડે કેમ ચઢ્યા છો ?”
કાળસંગ કહે હવે સવાલ કર્યા વિના મને ગધેડાથી છોડાવો. મારા બધાય
સ્પેરપાર્ટ ઢીલા પડી વેરવિખેર થઇ ગયા છે. મને પૈણવા ઘોડાને બદલે ગધેડે
બેસાડ્યો છે.
ડાઘુઓ કહે “લગ્નમાં બધા ઘોડે ચડે પણ કાળસંગજી તમે તો ગધેડે ચઢ્યા .”
ત્યારથી ગામમાં  ” કાળસંગનો ખરઘોડો આવ્યો રે ” એ ગીત પ્રચલિત થઇ ગયું
 
ગાંઠિયો=
આજ કાલ બધા ગધેડાઓ જ લોન ( ગ્રાંટ ) ચરી જાય છે
એટલે એ બધા ” લોન્ચર “ કહેવાય. હમજી ગ્યા ને શાનમાં ?
http://www.14gaam.com/gujarati-poem.htm
=================================================
સ્વપ્ન જેસરવાકર