Tag Archives: સ્વપ્ન..ડોલર..અથઃ..શ્રી…ડુંગળી..ડીઝલ..કથા

ગોદડિયો ચોરો…અથઃ શ્રી ડોલર ડીઝલ ડુંગળી કથા

ગોદડિયો ચોરો…અથઃ શ્રી ડોલર ડીઝલ ડુંગળી કથા
===================================================
cropped-11.jpg
ગાદલા તલાવે ગોદડિયો ચોરો જામ્યો છે. હર તરફ આઝાદ દિન અને
જન્માષ્ટમીના તહેવારોની ચર્ચાનો ચકડોળ ઘુમી રહ્યો છે.
નારણ શંખ કનુ કચોલું કોદાળો અઠો બઠો ભદો ભુત ને ગોરધન ગઠો
વાતોનાં વડાં તળવામાં મશગુલ હતા.
હું ને ધૃતરાષ્ટ્ર મહત્વની ચર્ચા કરતા ચોરામાં પ્રવેશી રહ્યા હતા ત્યાં જ
કોદળો કહેઓ ચર્ચાના ચમચાઓ અત્યાર સુધી ક્યાં ચકરડી ભમરડી
ફર્યા કરો છો . જોયા ના હોય મોટા ચકલાંઓ “
મેં કહ્યું ભાઇ “આ કનૈયો આ વખતે સાચે જ અવતરવાનો છે કે નહિ અને
ગીતામાં આપેલું વચન પાળવાનો છે કે નહિ એની ખાત્રી કરવા ગયેલા.”
કનુ કચોલું કહે “હવે તમે મોટી સતવાદીની પુંછડીયો ખરી ને એટલે તમને
પુછીને અવતરવું કે નહિ એ નક્કી કરે .!”
મેં કહ્યું પાંચ દિવસ પહેલાં ” તંબુરા કોમ્યુનિકેશન દ્વારા નારદજી એન્ડ સંન્સ
કંપની તરફથી ફોન આવેલો કે ભગવાન વિષ્ણંજીએ દેવ સભાનું આયોજન
કરેલ છે તેમાં કેટલીક અગત્યની ચર્ચામાં તારી જરુર છે તો તું અને ધૃતરાષ્ટ્ર
તૈયાર રહેજો હું તમને પિકઅપ કરી જઇશ “
ગોરધન ગઠો કહે ” ત્યોં જઇને શેની ચર્ચાના ચણા ભૈડ્યા (ભરડ્યા) એ કહે “
મેં કહ્યું નારદજી અમોને લઇ વૈકુંઠ પહોંચ્યા તો દેવ સભા મળી હતી વાધ્યો
ને વાજિંત્રો સાથે ગાયકો ગોઠવાઇ ગયા હતા મધુર નાદ છેડાતા હતા.
ત્યાં એક ગાયકે બી આર . ચોપરા સાહેબની મંજુરી લઇ (કોપીરાઇટ માટે)
મહાભારતના ટાઇટલ ગીતની સરસ રજુઆત કરી.
” અથઃ શ્રી ડોલર ડીઝલ ડુંગળી કથા…(૨)
યે કથા હૈ બઢતે હુએ દામ કી સરકારકે નાકામ કી…અથઃ શ્રી.
ભાવ બઢ કે દિગોશિત હુઆ બાજાર સે અદ્રશિત હુઆ
ભાજપ કે ભભડાટ કી ઓર કોંગ્રેસ કે કકળાટ કી…અથઃ શ્રી.
ભાષણ પે ભાષણ હુઆ નિવેદનોં કા મારા હુઆ
ચિંતા ખુરશી ખ્વાબ કિ ના જનતા દરકાર કી…અથ શ્રી.
યદા યદા ડુંગળી ડોલર ભાવ ચઢાની ખુરશી ગંવાની.
અથઃ શ્રી ડોલર ડિઝલ ડુંગળી કથા………..
ગાન પુરું થયા પછી નારદજીએ પ્રસ્તાવ રજુ કર્યો કે હવે દરેક પોતાના
પ્રશ્નો રજુ કરે જેથી વિગતવાર ચર્ચા થઇ શકે.
“અન્ન્પુર્ણા  માતાજી કહે જુઓ આ ડુંગળીના ભાવ વધી જવાથી સારાય
ભારતમાં હાહાકાર મચી ગયો છે. મારા વહાલાં બાળકો કે જેઓ સામાન્ય
પરિવારમાં છે તેમની કસ્તુરી રુપી ડુંગળીના ભાવોએ માઝા મુકી છે. પેલો
શરદ પવાર શરદ ઋતુની જેમ ઠંડો થઇ તમાશા જુએ છે ને પ્રભુ આપના
હજારો નામમાંથી એક નામ ધરાવનાર મનમોહન પણ ચુપ છે . મારો
ધર્મ છે કે દરેકને અન્ન પુરું પાડવું પણ ગોટાળાગંજોની વ્યવસ્થા ખરેખર
ગજવાં જ ભરવાની છે.”
ત્યાં જ ગરુડજી કહે હે પ્રભો  આ ડીઝલે જનતા ખેડુતો અને સામાન્ય જનોને
ડખળાવી નાખ્યા છે. આપ સર્વે દેવોને તો પશુ પંખીના વાહનોની વણઝાર
લાગેલી છે પણ હું કાયમ ઉડ્યા કરું છું તો મને પ્રજાના પોકારો સંભળાય છે “
ત્યાર બાદ લક્ષ્મીજી કહે” હે દેવ મારા ગાડાના પૈડા જેવા રુપિયાની અવદશા
એવી થઇ છે કે કે ડોલરના ડખાએ મારા રુપિયાને અડસઠ તિર્થોની યાત્રા
કરાવી દીધી છે.”
નારદજી કહે ” હે પ્રભો આપણે સર્વે મંદિરના મહંતો ને ટ્રસ્ટીઓને જાણ કરી
દઇએ કે હવેથી મંદિરમાં ડોલર જ ચઢાવવો તો કેવું રહે ?”
પ્રભુ કહે ” નારદજી  વાત સાચી પણ આમ આદમી ડોલર લાવશે ક્યાંથી?”
બીજું કે “દેવસ્થાનોમાં જે ડોલર ચઢાવ કે ભેટ રુપે આવશે તે તો નેતાઓ  અને
અધિકારીયો લઇ જશે કેમ કે એમનાં છોકરાંઓ જ વિદેશ ભણવા જવાના હોઇ
એમને ડોલરની વધારે જરુર પડશે ને પાછા ડોલર સ્વિસ બેંકમાં મુકી આવશે.
કોઇ સામાન્ય માણસનાં છોકરાંને વિદેશ ભણવા જવાનું જ ક્યાં મળે છે.”
મેં કહ્યું પ્રભુ એક વાત કહું “દેશમાં ને ગુજરાતમાં અસંખ્ય સરકારી શાળાઓ
આવેલી છે પણ નેતાઓ અને અધિકારીઓનાં છોકરાં તો ખાનગી અંગ્રેજી
માધ્યમની શાળામાં ભણે છે. અરે પ્રભુ એ વાત આખા દેશમાં જાણીતી છે કે
સંત જ્ઞાનેશ્વરે ગોળ ખાવાનો છોડી દીધા પછી ઉપદેશ આપ્યો હાતો કે ગોળ
ખાવો નહી.”
ધૃતરાષ્ટ્ર કહે પ્રભુ ” અમારા ગુજરાતના મુખ્ય મંત્રી દર વર્ષે શાળા
પ્રવેશોત્સવનાં ગાણાં ગાય છે ને છ કરોડ ગુજરાતીઓની વાતો વારંવાર
ભાષણમાં ઠોક્યે રાખે છે પણ એમના મંત્રીઓ કે નેતાઓને કહેવાની ફુરસદ
નથી કે અલ્યા તમારાં બાળકોને સરકારી શાળાઓમાં ભણાવો. બસ એમને
તો ભાષણો ઠોકવાં ને આગળ ઉડવું છે”
નારદજી કહે “હવે તો  દેશની પ્રજાએ વિચારવાનુ કે ભાષણોથી સમસ્યાઓ
નથી ઉકેલાતી નેતાઓએ સ્વયં એ બાબતને અનુસરવું પડે છે..”
આવા દેશમાં ભગવાન ફરી કેમના અવતરે !!!!!!!!!!
નારાયણ…નારાયણ….નારાયણ..નારાયણ.. નારાયણ..
ગાંઠીયો-
નેતાઓમાં કદીય વેતા નથી હોતા
સત્તા મેળવવા સિધ્ધાંતો નથી હોતા
કોપે કુદરત કે હોય અણધારી આફતો
એક પણ નેતા ત્યાં ફરકતા નથી હોતા
======================================================
સ્વપ્ન જેસરવાકર