Tag Archives: સ્વપ્ન..ભોટવાજી..કથા..ભડાકિયો..ચોરો..માસ્તર..ગોદડિયો

ગોદડિયો ચોરો… ભડાકીયા ભોટવાજી

ગોદડિયો ચોરો… ભડાકીયા ભોટવાજી
=======================================================
ગોદડીયો ચોરો
ગુજરાતમાં ચુંટણઈ માહોલ જામ્યો છે. સરકારની નીતિઓથી અસંતુષ્ઠ બનેલા
માસ્તરોએ ચુંટણીમાં ઉમેદવારો ઉભા કરી બગાવતનું બ્યુગલ ફુંકી દીધું છે.
ગુજરાતનાં અઢાર હજાર જેટલાં ગામડાં ને સીમ વર્ગોમાં માસ્તરો પણ
શાળાઓમાં ફરજ બજાવતા હોય એટલે સ્વાભવિક રીતે એમનો સંપર્ક દરેક
ગામના વાલીઓ સાથે હોય એ દેખીતું હતું.
સતાધારી કોશ પાર્ટી ને વિરોધ પક્ષે રહેલી મંજીરાં પાર્ટીના ઉમેદવારોનો
જીવ લબક્ઝબક થતો હતો.
“માસ્તરોએ ગામડે ગામડે શાળાના બાળકોની પ્રભાત ફેરીઓ ને સરઘસ દ્વારા
ચુંટણીમા પ્રભુત્વ જમાવી હરીફ ઉમેદવારોને ચિંતિત કરી દીધા હતા.”
ચુંટણીની રસાકસી ભરી સ્પર્ધામાં ઉમેદવારોએ જીવ જાન લગાવી દીધો.
આખરે ચુંટણી પરિણામો જાહેર થયાં તો કોશ પાર્ટીના કાવા દાવાને લઇને
સો જેટલી બેઠકો મળી જ્યારે મંજીરા પાર્ટીને ચાલીસ તો માસ્તરોની ડસ્ટર
પાર્ટીને પ્રથમ પ્રયાસે સુનિયોજિત સંચાલન દ્વારા બત્રીસ બેઠકો પ્રાપ્ત થઇ.
પાંચેક દિવસ પછી રાજ વગરના રાજપાલે કોશ પાર્ટીના સભ્યોને મંત્રી
તરીકેના શપથ લેવડાવ્યા.
ત્યાર પછીના અઠવાડિયે કામ ચલાઉ અધ્યક્ષે સભ્યોની શપથ વિધિ કરાવી.
“બીજા દિવસે સતાધારી પાર્ટીએ ફતેસંગ ડાહ્યાભાઇ કાવસિયા (ફડાકા)ને
કાયમી અધ્યક્ષ બનાવ્યા જ્યારે નાયબ અધ્યક્ષ માસ્તરોની ડસ્ટર પાર્ટીના
ભોળાભાઇ ટપુભાઇ વાગડિયા (ભોટવા) ને બનાવ્યા. જે શાળામાં નોકરી
કરતા ત્યાંના શિક્ષકો ને બાળકોએ એમનું નામ ભોટવાજી (કુંજો) પાડેલુ.”
વિધાનસભાનું અંદાજપત્ર સત્ર શરું થયું ને ચાર પાંચ દિવસ પછી ફડાકાજી
બિમાર થયા એટલે એમને દવાખાનામાં દાખલ કરવા પડેલા.
હવે અધ્યક્ષ ખુરશી પર ભોટવાજીને બીરાજવાનું હતું. એટલે  આગલી સાંજે
ગાંધીનગરમાં ડસ્ટર પાર્ટીના ૩૨ સભ્ય એવા માસ્તરોની સભા ભરાઇ.
સભ્યોએ ભોળાભાઇને સલાહ આપી કે “કાયદા મંદિરમાં તમારા સ્વભાવ જેવા
કડક જ રહેજો નહિતો આ મોટાં છોકરાં તમને ગાંઠશે નહિ.”
બીજા દિવસે વિધાનસભાની શરુઆત થઇ એટલે ભોટવાજીએ બધા સભ્યોને
કહ્યું નિયમાનુસાર પહેલાં લોક કલ્યાણના અર્થે પ્રાર્થના થવી જોઇએ.
“આમ વાતચીત ચાલતી હતી ત્યાં ચાર સભ્યો પંદર મિનીટ મોડા પ્રવેશ્યા.”
ભોટવાજી કહે “ભઇલા આ તમારા બાપનો બગીચો નથી કે ગમે ત્યારે આવો.
આપણે બધા જનતાના કરવેરામાંથી પગાર લઇએ છીએ એટલે જનતા આપણી
માલિક છે અને આપણે એના વહીવર્તા છીએ એનું ધ્યાન રાખતાં શીખો.”
હવે આજની કાર્યવાહી શરુ કરવાની આપ સર્વેને આજ્ઞા કરું છું.
“નાણાં મંત્રીએ ફાઇલમાં જોઇ વાંચવાનું શરું કર્યું ને કોઇ આંકડામાં ગુચવાઇ ગયા.”
ભોટવાજી કહે “અલ્યા ઘડિયા કે પલાખાં આવડે છે કે નહિ ને ક્યાંથી આવડે જ
અલ્યા અભ્યાસક્રમમાંથી ઘડિયા જ કાઢી નાખ્યા છે ને તમારી સરકારે.”
” બોલો ૭૫ + ૫૨ x ૧૮ -૨૦૯ = કેટલા થાય ? પોપટલાલ ગણી કાઢો.”
નાંણામંત્રીએ ખિસ્સમાંથી કેલ્ક્યુલેટર કાઢ્યુ ગણવા માટે.
ભોટવાજી કહે “આ ઘડિયા પલાખાં કાઢી નાખીને તમારી સરકારે આ બધાંને
આંગળીયો પટપટાવવાવાળા બનાવી દીધા છે.”
“ત્યાર બાદ શિક્ષણ મંત્રી એમના વિભાગની ચર્ચામાં ભાગ લેવા ઉભા થયા.
એમણે આડી તેડી વાતો સાથે પરદેશની પધ્ધતિની વાતો ચાલુ કરી તો
વિપક્ષના સભ્યોએ દેકારો મચાવી દીધો.”
“ભોટવાજીએ વિપક્ષના ચારેક સભ્યોને બરાબર ખખડાવી નાખી પાટલી પર
ઉભા રહીને અંગુઠા પકડવાની સજા ફરમાવી દીધી.”
“આરોગ્ય મંત્રી ચર્ચામાં ભાગ લેવા જરાક ઉભા થઇ તુ તુ મેં મેં કરવા લાગ્યા.”
ભોટવાજી કહે “ભાઇ શરીરની સફાઇનું મહત્વ સમજો પછી જ ગામ તાલુકા ને
જિલ્લાની સફાઇનુ મહત્વ ખરા અર્થમાં સમજાશે. તમારી મંત્રીની કેબિનમાં
કેટલાક સભ્યોએ મુલાકાત લીધી તો પાન મસાલાની પિચકારીઓના ડાઘ
જોવા મળેલા. આપ આરોગ્ય મંત્રી છો કે આરોગવાના મંત્રી છો.”
“ત્યાં સતાધારી પક્ષના સભ્ય પ્રશ્ન પુછવા ઉભા થયા ને ગભરાટમાં મુળ પ્રશ્ન
ભુલી બીજી વાતો કરવા લાગ્યા.”
ભોટવાજી કહે ” સભ્યશ્રી આપ પ્રશ્ન લઇ આવ્યા છો ને આપને એ યાદ નથી
તો એમ કરો કાલે ઘેરથી આ પ્રશ્ન ૧૦૦ વખત ઘરકામમાં લખી લાવજો.”
“રમત ગમત ખાતાના મંત્રી સુકલકડી જેવા પાતળા સોટા જેવા ઉભા થયા.”
ભોટવાજી કહે “ભાઇ આપે શનિવારે યોજાતી કસરત કાઢી નાખી પરિણામે
નવયુવાનો આપ જેવા સુકલકડી બનશે તો દેશની રક્ષા કોણ કરશે.?”
વિધાનસભાની લોબીમાં ધારાસભ્યો એવી ચર્ચા કરતા હતા કે ” ભાઇલા
આ તો સારૂં છે કે માસ્તરને અધ્યક્ષ બનાયા છે તે મોંઢેથી વાતો કરે છે પણ
જો કોઇ ડી.જી.પીને અધ્યક્ષ બનાવી તો એતો ડંડાથી જ વાત કરે ને.!!!!!”
અધ્યક્ષ ભોળાભાઇની આવી કડક કામગીરીના પરિણામે સતાધારી ને વિપક્ષ
એમ બંન્નેના ધારાસભ્યોએ એમને હટાવી દેવાનું મન બનાવ્યું છે.

 

ગાંઠિયો=

“વગર નોંતરે જમવાનું ને ઉપરથી  ખોળે એ મઠ્ઠો
  જીતી ગયા પછી જનતાની સામુંય ના જુવે એ ગઠ્ઠો
  મુસાફરી મફતની ને ભાડાં ભથ્થાં ખાઇ બન્યો પઠ્ઠો
  વાયદા વચનો પુરાં ના કરે તોય ફરી ચુંટાય લઠ્ઠો “

=========================================================

સ્વપ્ન જેસરવાકર