ગોદડિયો ચોરો…વેલણ મા’રાજની જાતરા.
============================================
ગોદડિયો ચોરો જામ્યો છે. ચોરાની ચકલીયો ચણચણના પોકારો સહિત દેશ
દુનિયાની વાતોનાં વડાં ઉતારતા હતા. વસંતના મીઠા વાયરા વાય છે.
ત્યાં જ કનુ કચોલા ને કોદળાશંકર આલબેલ સાથે એક નવતર પ્રાણીના
સાથે પ્રવેશ કરે છે.
ગોરધન ગઠો કહે અલ્યા શિયાળા ઉનાળાની મિશ્ર ઋતુના અવસરે આ કોટ
ને મફલર સાથે વાંદરા ટોપી પહેરેલ આ વિકરાળ ચહેરાવાળા કાકા કોણ છે ?
કોદળો કહે ” યે હસીકાકીકે હસબન્ડ હનુકાકે હડકાયે હેંગે . યુ એન્ડરસ્ટડેંગીગ.”
“હનુકાકેકા નેમ તો વૈસે હરમાન હેંગા. પર પ્યારસે કાકે કાકીકો બચી ( કીસ)
કરને ગયે તો બચકા ભર લિયા થા. તબ કાકીને ફલિયે (ફળિયા)મેં આકે વેલણસે
કાકેકો ઝાપટા થા ઓર જોરસે સ્પીકીંગ યે ડોસા તો હડકાયા હો ગઇંગ. તબસે””
સબ ઉનકો હનમાન હડકાયાકે નામસે પુકારીંગ. સમજે કે નૈ (નહિ).”
હરમાન હડકાયો કહે “અલ્યા કોદારા આ મારી હસીની ડાગળી ખસી લાગે છે.?”
મેં પુછ્યું કાકા કેમ શું થયું ? કાકીએ એવું તે શું કર્યું ?
હરમાન હડકાયો કહે ” જો બે દા’ડા પે’લાં પેલો પ્રેમલા પ્રેમલીનો તે’વાર (તહેવાર)
ગયો. પેલાં ગુલાબનાં ફુલો આલે સે (છે) એ તે’વારને બળ્યું વેલણ ટાઇટ કે એવું જ
કૈક કે’ છે ને તે તારની (ત્યારની) રીહે (રીસે) ભરૈ છે કે એ વેલણ મા’રાજના દરશને
તરત જ લઇ જાવ. (ટાઇટને બદલે તરત) એમ રિહૈ (રિસાઇ)ને બેઠી છે.”
ધૃતરાષ્ટ્ર કહે કાકા તમે કાકીને ગુલાબનું ફુલ આપીને પ્રેમ વ્યક્ત કર્યો કે નહિ?.
હનુમાન હડકાયો કહે ” જો ભૈ એ વોંદરી (વાંદરી)ને ગુલાબનાં ફુલ નહિ પણ ધંતુરાનાં
ફુલ ચડાવાય. મારી હાહરીની વની વનીનાં (જાત જાતનાં) હહુંતરાં કરે છે.”
કનુ કચોલુ કહે કાકીને વેલેન્ટાઇન તહેવાર ને વેલણ મહરાજ કોણે સમજાવ્યું ?
હરમાન હડ્કાયો કહે ” જો ભાઇ અમારું ગોમ (ગામ) ગાડા . અમને પરભુની (પ્રભુ)
કરપા (કૃપા) થૈ કે અમારે ત્યોં એક વનેચર પધાર્યો. એનું નોમ (નામ) વિકરમ
રાખ્યું. પણ આ વિકરમનાં પરાકરમ (પરાક્રમ) જોણી (જાણી) લોકો એને ચકરમ
કહેતા. એ ભણવા સોંગા (ચાંગા) ગયો ત્યોં એને રુણની (મહેશભાઇ કોન્ટ્રાકરનું ગામ)
રમણી રમુડી (રમીલા) હાથે (સાથે) પરેમની (પ્રેમ)રોમલીલા (રામલીલા) ચાલુ થઇ
ગઇ. બેય પરેમ લગન કરી લીધાં . એ બરધ્યા (બળદિયા)ને નાપાડ ગોમે નોકરી
મલી. બે વરહ (વરસ) પછી એની બાયડી કે’ હવે નોકરીની ના-પાડ. ને ડોબાએ નોકરી
છોડી દીધી. નખરાળી રમલીને આ ડોસી જોડે ફાવતું નથી.એને આ ડોશીની ડબડબ
ગમતી નથી ને શે’ર (શહેર)ના વાયરામાં ઠાઠથી રેવું છે.”
બઠો કહે પછી તો તમારે ઉપાધિનાં પોટલાં વેંઢારવાનાં આવ્યાં એમ કહો ને ?
હરમાન કાકો કહે “મારો અકરમી ને એની બાયડી ધંધો કરવા ચેનનઇ (ચેન્નાઇ)
ગયાં છે. એ ચેનનાઇ ગયાં પણ અઇં (અહીં) મને ચેન-નઇ એવું થઇ ગયું છે.”
અઠો કહે કાકા એમ કેમ બોલો છો ? છોકરો ધંધો કરવા કમાવા ગયો છે ને.
હરમાન કહે ” ભૈ મારા વનેચરને ઘેર પાછો એક વનચર આયો છે . મારો બેટો એ
એના બાપનેય તપે એવો છે.એ લખોટો અમારી જોડે રહે છે આ ડોસી એને ચોકલેટ
લેવા પૈસા નથી આપતી ને ટૈડકાવે ( વઢે-લડે) છે એટલે એ વનેચર ડોસીને અવનવા
નુસકા બતાવે છે.”
મેં કહ્યું બીજું શું શું શિખવાડે છે ?
હરમાન કાકો કે’ ” પ્રેમલા-પ્રેમલીનો તે’વાર આયો તો કે’ આ ડોહાએ તમને કોઇ
ભેટ આલી ખરી.બધાય ભાયડા બાયડીને મોંઘી ભેટો આપે એવું આ વેલણ મા’રાજ
કહે છે. એણે તો ડોસીને કયું (કહ્યું) કે ડોહાને કો’ (કહો) તમને વેલણ મા’રાજની
જાત્રાએ લઇ જાય. એટલે ડોસી પુરીઓ ઢેબરાં લઇને વેલણ મા’રાજની જાત્રાની
હઠ લઇને બેઠી છે. અરે આજુબાજુની બાયડીયોને ચઢવે છે કે તમેય બધી તમારા
ડોહાને ડાકણની જેમ વળગો તો જાત્રાએ જવાની બસ કરીએ. ગોમના બધાય
ડોહાઓ રોજ મારી પત્તર ફાડે છે કે અલ્યા હડમોન આ તારી બાયડીને હમજાય.
મારી હાતે (સાથે) કોઇ ડોહા બેહતાય નથી કે વાતેય કરતા નથી.”
ગાંઠિયો=
લોકો વેલેન્ટાઇન દિને મન માગ્યા પૈસા આપી ગુલાબ ખરીદી પ્રેમિકાને આપે છે.
પણ કોઇ દિવસ બે રુપિયાનાં ફુલ ખરીદી મા ભારતીને ચરણે ધર્યાં છે ખરાં ! ! !
===============================================
સ્વપ્ન જેસરવાકર