ગોદડિયો ચોરો…સત્તા સ્વયંવર..તાક ધીન તાક…ભવાઈ

ગોદડિયો ચોરો…સત્તા સ્વયંવર..તાક ધીન તાક…ભવાઈ
=====================================================
ગોદડિયો ચોરો જામ્યો છે . ગુજરાતમાં નવરાત્રીના પાવન પર્વમાં માં અંબા
આરાસુરીનાં ગુણગાન અબાલ વૃદ્ધ રૂમીઝુમીને ગરબે ઘૂમી ગાય છે.
અવનવા વસ્ત્રો ને વેશ પરિધાનની  અનેરી હોડ જામી છે.
કનું કચોલું ને ગોરઘન ગઠ્ઠો  જાણે ભૂંગળો વગાડતા ગરબે ઘૂમતા હોય તેવા
અંદાઝમાં રુમતા ઝૂમતા પ્રવેશી રહ્યા છે.
ગોરઘન ગઠ્ઠો કહે અલ્યા ગોદડિયા જો આ ચુંટણી સંગ્રામને જો તું ભવાઈ વેશમાં
આલેખન કરી સમજાવે તો તને ખરો ભાયડો માનું ?
મેં કહ્યું ચાલો ત્યારે આજે ચુંટણીનો ભવાઈ વેશ કાઢી જરા ગમ્મત કરી લઈએ.
એક મોટા નગર જેવા ગામમાં એક ભવાઈ ટોળી પ્રવેશે છે . ગામની ભાગોળે
આવેલા ગામ ચોરામાં આવી પાણી પી દશેક મિનીટ વિશ્રામ લે છે.
પછી એ ભવાઈ ટોળીના નાયક અને બીજા નરઘાં ને ઢોલ સાથે ભૂંગળો લઈને
ચોરાના ઓટલા પર આવી  મા મહાકાળી, મા અંબા , મા ભવાની, મા
ખોડીયારની જય બોલાવી ભૂંગળો અને કાંસી જોડાં અને ઢોલકના તાલથી પોતે
ગામમાં પ્રવેશી ગયાની જાણ ગામલોકોને કરે છે.
ભૂંગળોના મીઠા સુર અને ઢોલકની તાક  ધીન તાક સાંભળી ગામના જુવાનીયા
અને બાળકો  ભેગા થઇ જાય છે. કોઈ પાણી તો કોઈ લાકડા તો કોઈ સીધાની
વ્યવસ્થા કરે છે.
સાંજે ચાંદની ચોકમાં બે વળીયો  ઉભી રોપી ને બે વાંસ બાંધી નાનો મંડપ તૈયાર 
કરીબાજુના ઘેરથી વીજળી રાણીની વ્યવસ્થા કરી ભવાઈ વેશની તૈયારી  થઇ
જાય છે.
રાત્રીના સમયે ગામના વડીલ માતાઓ બહેનો બાળકો અને વૃધ્ધો હકડેઠઠ 
ચાંદની ચોકમાં બિછાનું કે કોથળા અને ચાદરો પથારી ભવાઈ વેશ જોવા ઉમટી
પડે છે.
ભવાઈ વેશની શરૂઆત ગજાનન  ગણપતિ દાદાની સ્તુતિ દ્વારા થાય છે.
  ” હે દુદાલો દખ ભંજનો ને હદાય બાળે વેશ
     પરથમ પેલા હમરીએ ગોઉરી પુત્ર ગણેશ “
ત્યાં જ સુત્રધાર રૂપે નારણ શંખ પ્રવેશે છે ને ગાય છે .
” હે મારા મીતર ગોદાડિયા ભાથી ( વિદુષક – રંગલો ) ને આવતાં કેમ લાગી વાર
રે ?”
” વેલેરો આવને ઓ ગોદડિયા ભાથી વે’લો વે’લો અહિયાં મારને …હે ભાથીડા
વે’લો આવને .”
ભૂંગળો ને ઢોલકના ગડગડાટ વચ્ચે ગોદડિયા ભાથી પરવેશ કરે છે.
હે માર મિતર શંખજી ” હેનો ક્યારનો બરાડે સે ?. હું વરગ્યું સે ?”
શંખજી કહે આલ્યા ગોદડિયા ભાથી તારી વા ‘ લી વીજળીઓ ચ્યાં ચમકવા ગઈ સે
ગોદડિયા ભાથી લલકારે છે
” હે વા’લી વિજરી ને આવતાં ચ્યમ લાગી વાર રે ?”
ચાર વિજરી ( સ્ત્રી વેશે ) પધારી ગાય છે .
  “સ્વામી અમે સજવા ગ્યાતાં શણગારે .”
ભાથી કહે  “તમે શણગાર છો કે શણગારની વખારો છો “?
સુત્રધાર કહે જો લ્યા ભાથી આજની રંગભૂમિ પર ” સતા સ્વયંવર “ નામનો ખેલ
ભજવી બતાવી જનતાને ખુશ કરવાની સે .
ગોદડિયા ભાથી કહે “વાંઢો નઈ વાંઢો નઈ ( વાંધો નહિ ) જોઈ લો તારે ભાયડાના
ભડાકા”
“હત્તાની ભવાઈ ( સત્તા )ના ભડાકા ને કડાકાથી આ ચોક આખો હલી ઉઠશે .”
“મર્દ મુછાળા પેટપકડીને ગોઠીયું વળી જાહે ને આ છોકરાં હાહા ને હી હી કરશે.”
સુત્રધાર શંખજી કહે આ સંધુય તો ઠીક પણ કાલે હવારની આપણા ભવાયા
ભાઈઓને હારું સા- પોણી ( ચા પાણી ) નો બંદોબસ્ત તો કરવો પડશે ને ?
ગોદડિયા ભાથી કહે આ હૂં બોલ્યા તમે સા પાણી હાઠે પાકા ભોજન લાડવા
પાણીનો હંધોયબંદોબસ્ત તો ચ્યારનોય કરી મેલ્યો છે.
શંખજી સૂત્રધાર કહે આ આપણો ભડલો ભૂતડો  પૂસે સે  ( પૂછે છે ) ચ્યમનો
(કેમનો)કરી મેલ્યો સે !
ગોદડિયા ભાથી કહે હોંભરો ( સાંભળો ) હમણાં થોડાક મઈના (મહિના ) પેલાં
( પહેલાં ) એક કાયર કરમ ( કાર્યકમ ) જોર હોરથી આખા ગુજરાતમો ગાજેલો ઈ
( એ) ખબર સે ને ( છે ને )
ભડલો ભુતડો કે  ( કહે ) અલ્યા ભાઠી  (  ભાથી )  ચિયો ( કયો ) કાયર કરમ ?
ગોદડિયા ભાથી કે ( કહે ) ” હાંભરો લ્યા ખબુચીયા હાંભરો “
અમણાં ” ઢણ દોન ” ( ધન દાન ) નામનો એક કાયરકરમ એક પાર્તી વારાયે
રાખ્યો તો ખબર છે ને ?
” ઈ કાયર કરમમા ચઈ  ચેતલાય ( કેટલાય ) ખબુચીયાને લેર પોણી ( લહેર
પાણી ) ને લાકડા હાથે ( સાથે )ચા પાણી દાળ શાક ચોખાનો હગાવડ ( સગવડ )
થઇ જીયો ( ગયો )સે “
 ” અરે ચેટલાયે ( કેટલાયે ) તો ફટફટિયા વ્હાઇ લીધાં તો ચેટલાયે નવા સધરા ને
લેંઘા હિવાડાયા ( સીવડાયા)”
“કોઈ બીજી પાર્તી કોયલા ચારે ( ચાળે ) સે ” તો જમીનો વેચે સે ને  ગોટારા
( ગોટાળા )ના ગરબે ઘૂમે સે “
“અમણાં  કે ‘ જરી ( કહે જરી == કેજરી )નો વાલ ( વાલ્વ ) ખુલી ગયો સે
બરાબરનો ખુલ્યો સે એટલે એ વાધેરાને ( વાઢેરા ) વલોવે સે ને હલમાનને
(ખુર્શીદ )હલાવે સે .એની વડે  સે સોધયા ( મનીષ સિસોદિયા ) ને
વિશ્વાસનો કુમાર ચડ્યા સે તે  ના  તઈણ ( નીતિન ) ગડકરીનું હોડકું
બરાબરનું હલાવે સે .”
મારું વાલુ આપણા જેવું  “આ બીજું તોરું ( ટોળું ) સે એ હંધાયનાં ફુલેકાં બરોબરના
ફેરવે સે “
એટલામાં વા’લી વીજળીઓ રૂમીઝુમીને ગાય છે .
” ચાલો પ્રીતમજી ચાલો રસીકવર રસોઈ જમવાને કાજ
ગામમાંથી માગી તાગીને લાવ્યા લોને જમવાનો સ્વાદ “
ગોદડિયા ભાથી લાંબે લહરકે ઠેકડા મારતો જાય છે ને ગાતો જાય છે .
” એ તારી રસોઈને હૂં રે કરું મારે જવું છે નવી ને ઘેર
   જૂની તો જમરા જેવી જ લાગે નવી સાથે ના કરું વેર “
વીજળીઓ કુદતી જાય ને ભાથીને ધક્કે ચડાવતી જાય છે.
ભાથી અને વીજળીઓ એક એક લીટી ગાય છે ને નાચતા જાય છે .
ભૂંગળોને ઢોલકની થાબ બરોબરની રંગે ચંગે જામી છે.
વીજળીઓ -વા વા મારા સ્વામી છો છોગાળા
ભાથી – છઈએ અમે રૂપાળા રૂપાળા
વીજળીઓ- છો તમે કાજળથી કાળા
ભાથી – ના કરશો તમે ચાળા
વીજળીઓ- ચાળા કરવાની હજાર વાર
ભાથી – પછી તું તો માર ખાઇશ રે માર
વીજળીઓ – તો તો હૂં મારે મૈયર જઈશ
ભાથી – તું મૈયર જઈશ તો હૂં મારે હાહરે જઈશ.
ભાથી ને વીજળીઓ દોડતા પડદા પાછળ જતા રહે છે.
( આગળની ભવાઈ હવે પછીના હપ્તામાં રજુ થશે.)
હાટકો –
જૂની સાખી …….
” હે અર્જુન પૂછે કૃષ્ણને  રે પ્રભુ તમારો વાસો ક્યાંય
તુલસી પત્રે , પીપળે ને મારા હરિજન હોયે ત્યાંય “
નવી સાખી………
“પ્રજા પૂછે પરધાનને રે તમારી નજરો  હોયે ક્યાંય
કટકી કોભાંડ ને ખુરશી જ્યાં ભ્રષ્ટાચાર કરાય ત્યાંય  “
==================================================
સ્વપ્ન જેસરવાકર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s